
- પ્રાકૃતિક ખેતીથી ખર્ચ અને પાણીની બચત થાય છે, વાતાવરણ સ્વચ્છ રહે છે : રાજ્યપાલ
- રાજ્યપાલએ ભીલવશી ગામના મુકેશ તડવીના ઘરે સ્વયં ગાય દોહી ખેડૂતોને દેશી ગાયનું પાલન કરવા પર ખાસ ભાર મૂક્યો
- મોટી રાવલ ગામે આદિજાતિ પરિવારના મુકેશ તડવીના ઘરે રાજ્યપાલએ પરિવારજનો સાથે આત્મીય સંવાદ કરી સ્થાનિક પરંપરા મુજબના સાદા નાસ્તાનો આસ્વાદ માણ્યો
રાજપીપળા,21 સપ્ટેમ્બર (હિ.સ.) નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન બીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગરૂડેશ્વર તાલુકાના ભીલવશી ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેશ તડવીના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી. અહીં ખેતરની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ સાધી માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત દરમિયાન ત્યાં ઉગાડવામાં આવેલા વિવિધ પાકોનું
ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને પાકોની ગુણવત્તા જોઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. રાજ્યપાલએ
ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે ખેડૂતો સાથે સંવાદ કરતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો તથા
કીટનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીનમાં રહેલા ઉપયોગી અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ નષ્ટ પામે છે, જેના કારણે આજે ખેડૂતોને બહારથી નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસ જેવા તત્ત્વો ઉમેરવા પડે છે. રાસાયણિક ખેતીથી જમીન કઠણ બની ગઈ છે, જ્યારે પ્રાકૃતિક ખેતીથી જમીન ફળદ્રુપ બને છે અને તેમાં કુદરતી જળ સંચયન થવાથી વરસાદી પાણી સીધું જમીનમાં ઉતરી જાય છે. જો આપણે રાસાયણિક ખેતી ચાલુ રાખીશું તો આવનારી પેઢીઓ માટે ફળદ્રુપ જમીન કે પીવાનું શુદ્ધ પાણી પણ બચશે નહીં.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઝીરો થઈ જાય છે અને પાણીની પણ બચત
થાય છે. ગુજરાતના અનેક ખેડૂતો પંચસ્તરીય મોડેલ અપનાવીને અત્યંત ઓછી મજૂરી અને ઓછા ખર્ચે વાર્ષિક લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. તેમણે કચ્છના ખેડૂતો રતિલાલભાઈ અને હરિશ ઠક્કરના ઉદાહરણ આપ્યા હતા.
ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરતાં રાજ્યપાલએ જણાવ્યું
હતું કે, રાસાયણિક ખેતીથી પર્યાવરણ દૂષિત થાય છે, જમીન અને પાણી બગાડે છે અને લોકોને ગંભીર રોગો તરફ ધકેલે છે.
આ પેહલા રાજ્યપાલએ ભીલવશી ગામના મુકેશ તડવીના ઘરે સ્વયં ગાય દોહી ખેડૂતોને
દેશી ગાયનું પાલન કરવા પર ખાસ ભાર મૂક્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મોડેલ ફાર્મની મુલાકાત લીધા બાદ ગરૂડેશ્વર તાલુકાના મોટી રાવલ ગામે આદિજાતિ પરિવારના મુકેશ તડવીના ઘરે પહોંચ્યા હતા. રાજ્યપાલએ પરિવારજનો સાથે આત્મીય સંવાદ કરી સ્થાનિક પરંપરા મુજબના સાદા નાસ્તાનો આસ્વાદ માણ્યો હતો. રાજ્યપાલના આગમનથી પરિવારજનોમાં આનંદ અને ઉત્સાહ છવાયો હતો અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ મુલાકાત વેળાએ ખેતીવાડી અધિકારી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર, જિલ્લા પશુપાલન
અધિકારી, વહીવટી તંત્રના અધિકારીઓ તથા મોડલ ફાર્મ ખેડૂત અને તેમના પરિવારજનો સહિત સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ