

- બાળકોએ જીવનમાં આગળ વધવા મહેનત, શિક્ષણ અને સંસ્કારને જીવનમંત્ર બનાવવો જોઈએ :
રાજ્યપાલ
- રાજ્યપાલએ ગરૂડેશ્વરના ભીલવશી ગામની પ્રાથમિક શાળામાં રાત્રિ વિશ્રામ કર્યો
રાજપીપળા,21 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન ગરૂડેશ્વર તાલુકાના ભીલવશી ગામની પ્રાથમિક શાળામાં રાત્રિવિશ્રામ કર્યા બાદ સવારે શાળાના વિદ્યાર્થીઓ તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.
જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં પરોઢિયે યોજાયેલા યોગ સત્ર દરમિયાન
રાજ્યપાલએ શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કરી તેના
આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રતિદિવસ યોગાભ્યાસથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. યોગથી શરીરમાં લોહીનો સંચાર વધે છે તેથી અનેક રોગોમાં ફાયદાકારક છે.
રાજ્યપાલએ બાળકો સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે, જીવનમાં આગળ વધવા માટે સતત
મહેનત અને કંઈક નવું કરવાની ભાવના જરૂરી છે. માતા-પિતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ મહેનત કરે છે, ત્યારે તેમનું સન્માન જાળવી તેમને મદદરૂપ બનવું જોઈએ. શાળામાં મન લગાવીને અભ્યાસ કરવા તેમજ આ ઉંમરે કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહેવા તેમણે બાળકોને અનુરોધ કર્યો હતો.જીવનમાં ભૂલો થાય તે સ્વાભાવિક છે, પરંતુ ભૂલ છુપાવવાને બદલે માતા-પિતા, ગુરુજનો કે ભાઈ-બહેનોને જણાવવાથી યોગ્ય માર્ગદર્શન મળી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું કે, સામાન્ય પરિવારમાંથી
આવેલા મોદીજીના નેતૃત્વ અને મહેનતથી વિશ્વમાં ભારતનું ગૌરવ વધ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, યોગએ ભારતની પ્રાચીન વિરાસત છે, વ્યસ્ત જીવનશૈલીમાં યોગ અને પ્રાણાયામ સ્વસ્થ જીવન માટે અત્યંત જરૂરી છે. યોગ દ્વારા શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત થાય છે, જેના કારણે માનસિક તણાવ દૂર થાય છે અને અભ્યાસમાં પણ વધુ એકાગ્રતા પ્રાપ્ત થાય છે.
રાજ્યપાલએ વિવિધ આસન, યોગાભ્યાસ, પ્રાણાયામના નિયમિત અભ્યાસથી શ્વસનતંત્ર મજબૂત
બનતું હોવાનું તેમજ સારી ઊંઘ અને તણાવ મુક્તિ માટે સવાશન, સર્વાઇકલ માટે વિવિધ આસનો બતાવી યોગ અને પ્રાણાયામને જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ