
કચ્છ, 21 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના ગાંધીધામ-આદિપુર વિસ્તારમાં નોંધાયેલી કરોડોની સાયબર છેતરપિંડીના કેસમાં આદિપુર પોલીસે મહત્વની કાર્યવાહી કરી છે. ટેકનિકલ સર્વેલન્સ, બેંક ટ્રાન્ઝેક્શન અને મોબાઇલ નંબરોના વિશ્લેષણના આધારે તપાસ આગળ ધપાવતા પોલીસે આંતરરાજ્ય ગેંગ સાથે જોડાયેલા બે શખ્સોની સંડોવણી સામે આવતાં બંનેને ઝડપી પાડ્યા છે. ખાસ વાત એ છે કે બંને આરોપીઓ અન્ય એક ગુનામાં ઉત્તરપ્રદેશની ગૌતમબુદ્ધનગર જેલમાં બંધ હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. ત્યારબાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને આદિપુર પોલીસે બંનેનો કબજો મેળવી ધરપકડ કરી છે.
આદિપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નં. 11993002260532/2026માં આઈટી એક્ટની કલમ 66(ડી) ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન આરોપીઓની ભૂમિકા અંગે મહત્વના પુરાવા મળ્યા હતા. ત્યારબાદ તેમની ધરપકડ કરી કેસની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓમાં 48 વર્ષીય રણવીરસિંઘ યુવરાજસિંઘ સિંઘ, મૂળ ઉત્તરપ્રદેશના ગાજિયાબાદ વિસ્તારનો રહેવાસી અને 25 વર્ષીય લલીતકુમાર ઓમપ્રકાશ ભાતુ, નોઈડા વિસ્તારનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે. તપાસમાં બંને આરોપીઓ વિરુદ્ધ ઉત્તરપ્રદેશના સેક્ટર-63 પોલીસ સ્ટેશનમાં 2026નો એક ગુનો નોંધાયેલો હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે રણવીરસિંઘ વિરુદ્ધ પશ્ચિમ કચ્છ ભુજ સાયબર પોલીસ સ્ટેશન અને હૈદરાબાદ સાયબર પોલીસ સ્ટેશનમાં પણ અગાઉના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડ પરથી જાણવા મળ્યું છે.
પોલીસ તપાસમાં સામે આવેલા મોડસ ઓપરેન્ડી મુજબ ગેંગ વેપારીઓને મોટા બિઝનેસ ઓર્ડર અને આકર્ષક નફાની લાલચ આપતી હતી. ત્યારબાદ પોતાની કંપનીનું સબસ્ક્રિપ્શન લેવડાવી બાયર પાર્ટી સાથે સંપર્ક કરાવવામાં આવતો હતો. બિઝનેસ માટે જરૂરી દસ્તાવેજો તૈયાર કરવાના નામે વેપારીઓ પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરવામાં આવતી હોવાનો આરોપ છે.
આદિપુર પોલીસે વેપારીઓને અજાણી કંપનીની ઓફર પર તરત વિશ્વાસ ન કરવા અને સબસ્ક્રિપ્શન કે ડોક્યુમેન્ટેશનના નામે રકમ મોકલતા પહેલાં કંપની તથા બાયર પાર્ટીની અધિકૃતતા ચકાસવાની અપીલ કરી છે. સાથે જ OTP, PIN અને પાસવર્ડ શેર ન કરવા, શંકાસ્પદ લિંક કે APK ફાઇલથી દૂર રહેવા તથા સાયબર છેતરપિંડી થાય તો તાત્કાલિક 1930 અથવા સાયબર ક્રાઇમ પોર્ટલ પર જાણ કરવા જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar