
ભાવનગર,21 સપ્ટેમ્બર (હિ.સ.) મહુવા તાલુકાના તલગાજરડા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને સરકારી સેવાઓનો લાભ સરળતાથી તથા નજીકના સ્થળે મળી રહે તે હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.
કાર્યક્રમમાં મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ, મહુવાના ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર જાડેજા, મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ પરસોત્તમ બારૈયા, ભાવનગર જિલ્લા ભાજપના મંત્રી ભરત હડિયા, ભાવનગર જિલ્લા પંચાયતના સભ્ય પ્રતિનિધિ જસુ કાતરીયા, કતપર જિલ્લા પંચાયતના સદસ્ય બાબુ ડોળાસિયા, સેંદરડા જિલ્લા પંચાયતના સદસ્ય રમેશ ગોહિલ, તાલુકા પંચાયતના ચેરમેન તથા મહુવા સેવા સેતુ કાર્યક્રમના ઇન્ચાર્જ પરેશ શેલાણા સહિત તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
તલગાજરડા ગામના સરપંચ ભોળાભાઈ કળસરિયા તેમજ વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. વિવિધ વિભાગોના કાઉન્ટરો મારફતે નાગરિકોને સરકારી યોજનાઓ, પ્રમાણપત્રો અને અન્ય સેવાઓ અંગે જરૂરી માર્ગદર્શન તથા સહાય પૂરી પાડવામાં આવી હતી.
સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોની વિવિધ સમસ્યાઓ અને અરજીઓનો સ્થળ પર જ નિકાલ લાવવા માટે સંબંધિત વિભાગોના કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. સરકારી સેવાઓનો લાભ મેળવવા માટે લોકોને અલગ-અલગ કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને સેવાઓ સરળતાથી મળી રહે તે માટે આવા કાર્યક્રમો ઉપયોગી બની રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA