
ભાવનગર, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : પશુપાલનનો વ્યવસાય દિવસેને દિવસે વ્યાપક બની રહ્યો છે. પશુપાલકો માટે પશુઓની સારસંભાળ સાથે તેમને આપવામાં આવતા ખોરાકની ગુણવત્તા અને સલામતીનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. હાલ વરસાદની અનિયમિતતાને કારણે કેટલાક વિસ્તારોમાં ઘાસચારાની અછત જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં પશુપાલકો વિવિધ પ્રકારનો લીલો અને સૂકો ચારો પશુઓને ખવડાવી રહ્યા છે. જોકે, દરેક પ્રકારનો ચારો પશુ માટે સલામત હોય તે જરૂરી નથી.
પશુ ચિકિત્સા અધિકારી ડૉ. રાહુલ જાળેલાના જણાવ્યા મુજબ, ખાસ કરીને કુમળી લીલી જુવાર પશુઓને ખવડાવતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. કુમળી જુવારમાં હાઇડ્રોસાયનિક એસિડ જેવા ઝેરી તત્વનું પ્રમાણ વધુ હોઈ શકે છે. આવી જુવાર પશુ વધુ પ્રમાણમાં ખાઈ જાય તો ઝેરી અસર થવાની શક્યતા રહે છે. તેના કારણે પશુને આફરો, અસ્વસ્થતા અને અન્ય ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. ગંભીર સ્થિતિમાં પશુનું મૃત્યુ પણ થઈ શકે છે.
નિષ્ણાતના જણાવ્યા મુજબ, જુવારમાં 50 ટકાથી વધુ ફૂલ આવી ગયા બાદ જ તેને પશુને ખવડાવવી જોઈએ. જુવારનો એક વાઢ લીધા બાદ વરસાદ પડવાથી ફરી ઉગેલી જુવારમાં પણ ઝેરી તત્વનું પ્રમાણ વધવાની શક્યતા હોવાથી આવી જુવાર ખવડાવતી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ. પાણીની અછત વચ્ચે ઉગેલી જુવારમાં પણ જોખમ રહે છે.
લીલી જુવારને વાઢ્યા બાદ આશરે 4થી 6 કલાક તડકામાં સુકવી પછી ઉપયોગ કરવાથી ઝેરી અસરનું જોખમ ઘટાડી શકાય છે. પશુને આફરો થાય ત્યારે પોતાની રીતે વધુ પાણી પીવડાવવાને બદલે તાત્કાલિક પશુ ચિકિત્સકની સલાહ લેવી જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA