



કચ્છ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : સામખીયારી ખાતે ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત શ્રી પ્રેમજી ભીમજી છાડવા હાઈસ્કૂલમાં નશીલા પદાર્થોના દુષણ અને વધતા સાયબર ગુનાઓ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવા માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા સાથે સાવચેત રહેવાની સાથે નશાથી દૂર રહી સ્વસ્થ અને જવાબદાર જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
સેમિનારમાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમના વિવિધ સ્વરૂપો અને ઓનલાઈન છેતરપિંડીથી બચવાના વ્યવહારુ ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા, મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે અજાણ્યા લોકો સાથે વ્યક્તિગત માહિતી શેર ન કરવી, મજબૂત પાસવર્ડ રાખવો તથા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવો જેવી બાબતો પર ખાસ ભાર મૂકાયો હતો. આ ઉપરાંત આઈપી એડ્રેસ, મોબાઈલ હેકિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી ટેક્નોલોજી સંબંધિત બાબતોની પણ વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી.
સાયબર ગુનાનો ભોગ બનનાર વ્યક્તિએ ગભરાઈ જવાને બદલે તાત્કાલિક ફરિયાદ નોંધાવવી જોઈએ તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભારત સરકારના નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ તેમજ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 અંગે માહિતી આપી વિદ્યાર્થીઓને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં નાર્કોટીક્સ ડ્રગ્સના વધતા જોખમ અંગે પણ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. નશીલા પદાર્થો યુવાનોના શારીરિક, માનસિક અને સામાજિક જીવનને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે, નશાની લત ધરાવતા વ્યક્તિમાં જોવા મળતા સંભવિત ફેરફારો અને ખરાબ સંગતથી જીવન પર પડતી અસર અંગે સમજાવવામાં આવ્યું હતું. ‘નશાને હંમેશા ના કહો’ના સંદેશ સાથે માનસ પોર્ટલ અને નાર્કોટીક્સ ડ્રગ્સ સંબંધિત હેલ્પલાઈન અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના આચાર્ય જયોતિબેન પરમાર, એસ.ઓ.જી. ગાંધીધામના એ.એસ.આઈ. ગોપાલ સોધમ, વિજયસિંહ રાણા સહિત શિક્ષકો અને આશરે 110 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કોઈપણ પ્રકારના નશાથી દૂર રહેવા, સાયબર સુરક્ષાના નિયમોનું પાલન કરવા તથા નશામુક્ત અને સુરક્ષિત સમાજના નિર્માણમાં પોતાની ભૂમિકા ભજવવાની શપથ લીધી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar