
ભાવનગર, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં આઈ.સી.ડી.એસ. શાખા હેઠળ ચાલી રહેલા ‘પા પા પગલી’ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં બાળદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. બાળકો, આંગણવાડી કાર્યકરો અને વાલીઓની સહભાગિતાથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળદિવસની ઉજવણીના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રોને આપવામાં આવેલી પ્રિ-સ્કૂલ જ્ઞાનપુંજ કીટમાં સમાવિષ્ટ વિવિધ શૈક્ષણિક અને રમતગમત આધારિત પ્રવૃત્તિઓનું વાલીઓને નિદર્શન કરાવવામાં આવ્યું હતું. બાળકોના સર્વાંગી વિકાસમાં આ પ્રકારની પ્રવૃત્તિઓની ભૂમિકા અંગે પણ વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
જ્ઞાનપુંજ કીટમાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં જ્ઞાન, સર્જનાત્મકતા, શારીરિક ક્ષમતા અને સામાજિક કૌશલ્યોના વિકાસ માટે કરવામાં આવતી કામગીરી અંગે વાલીઓને પરિચિત કરાવવામાં આવ્યા હતા. રમતો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકોને આનંદ સાથે શીખવાની તક મળે તે માટે આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.
બાળદિવસની ઉજવણી દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. બાળકોએ વિવિધ રમતો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આંગણવાડી કાર્યકરોએ બાળકોને પ્રવૃત્તિઓમાં જોડીને તેમની રસ અને ક્ષમતા અનુસાર પ્રોત્સાહિત કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA