સોલાર લગાવ્યું છતાં વીજળીનું ઉત્પાદન ઓછું કેમ? નિષ્ણાતે જણાવ્યું કારણો
ભાવનગર, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : ઘર પર સોલાર સિસ્ટમ લગાવ્યા બાદ વીજળીના બિલમાં ઘટાડો થાય અને સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરીને પૂરતું વીજ ઉત્પાદન મળે તેવી ગ્રાહકોની અપેક્ષા રહે છે. જોકે, કેટલીક વખત સોલાર સિસ્ટમ લગાવ્યા બાદ કંપનીના અંદાજ કરતાં ઓછું વીજ
સોલાર સિસ્ટમ


ભાવનગર, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : ઘર પર સોલાર સિસ્ટમ લગાવ્યા બાદ વીજળીના બિલમાં ઘટાડો થાય અને સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરીને પૂરતું વીજ ઉત્પાદન મળે તેવી ગ્રાહકોની અપેક્ષા રહે છે. જોકે, કેટલીક વખત સોલાર સિસ્ટમ લગાવ્યા બાદ કંપનીના અંદાજ કરતાં ઓછું વીજ ઉત્પાદન થતું હોવાની ફરિયાદો જોવા મળે છે. આવી સ્થિતિમાં સિસ્ટમમાં ખામી છે એવું તરત માનવાને બદલે વિવિધ કારણોની તપાસ કરવી જરૂરી છે.

સોલારના વ્યવસાય સાથે વર્ષોથી જોડાયેલા ઋત્વિકભાઈ બારૈયાના જણાવ્યા મુજબ, પેનલ પર ધૂળ, માટી કે પક્ષીઓની ગંદકીનો થર જામી જવાથી સૂર્યપ્રકાશ યોગ્ય પ્રમાણમાં પેનલ સુધી પહોંચી શકતો નથી અને જનરેશન ઘટી શકે છે. આ ઉપરાંત વૃક્ષ, પાણીની ટાંકી, ટાવર કે આસપાસની ઇમારતનો પડછાયો પેનલ પર પડતો હોય તો પણ ઉત્પાદન પર અસર થાય છે. ખાસ કરીને દિવસના ચોક્કસ સમયે પડતો પડછાયો પણ મહત્વનો બની શકે છે.

સોલાર પેનલની દિશા અને ઢાળ યોગ્ય ન હોય તો પણ અપેક્ષા મુજબનું ઉત્પાદન મળતું નથી. બીજી તરફ વાદળછાયું વાતાવરણ, વરસાદ અને સૂર્યપ્રકાશના ઓછા કલાકો દરમિયાન દૈનિક જનરેશન સ્વાભાવિક રીતે ઘટી શકે છે.

નિષ્ણાતના જણાવ્યા મુજબ, માત્ર બાહ્ય કારણો જ નહીં પરંતુ ઇન્વર્ટર, વાયરિંગ અથવા અન્ય ટેકનિકલ ખામીને કારણે પણ ઉત્પાદન ઓછું થઈ શકે છે. તેથી ગ્રાહકોએ દૈનિક અને માસિક જનરેશનનો રેકોર્ડ રાખવો જોઈએ. લાંબા સમય સુધી ઉત્પાદન ઓછું રહે તો પેનલ, ઇન્વર્ટર, વાયરિંગ અને ઇન્સ્ટોલેશનની તપાસ માટે ટેકનિશિયન અથવા નિષ્ણાતની મદદ લેવી જરૂરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande