
સુરત, 25 સપ્ટેમ્બર (હિ.સ.): સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની લાંબા સમયથી અટકેલી વરણીનો અંત આવ્યો છે. પૂર્વ મંત્રી અને સોનગઢના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ ગામીતને, સુમુલ ડેરીના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ભરતસિંહ સોલંકી (ડાભા)ની ઉપપ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. હોદ્દેદારોની પસંદગીને લઈને અગાઉ બે વખત બેઠક યોજાઈ હોવા છતાં અંતિમ નિર્ણય થઈ શક્યો ન હતો.
સુમુલ ડેરીની 17 જુલાઈએ જાહેર થયેલી વ્યવસ્થાપક મંડળની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોનો વિજય થયો હતો. ત્યારબાદ પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી અંગે ચાલી રહેલી ચર્ચાઓને કારણે પ્રક્રિયા લાંબી ખેંચાઈ હતી. અંતે કાંતિભાઈ ગામીતને પ્રમુખ બનાવવામાં આવતા દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં આદિવાસી નેતૃત્વને મહત્વ મળ્યું છે. સુમુલ સાથે જોડાયેલા મોટાભાગના પશુપાલકો, આદિવાસી સમાજમાંથી આવે છે, જેના કારણે આ નિમણૂકને રાજકીય અને સહકારી બંને દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
સુમુલ ડેરીની શરૂઆત 22 ઓગસ્ટ 1951ના રોજ આશાભાઈ શંકરભાઈ પટેલના પ્રયાસોથી થઈ હતી. શરૂઆતમાં માત્ર થોડા પશુપાલકો અને મર્યાદિત દૂધસંગ્રહથી શરૂ થયેલી આ સંસ્થા આજે મોટા સહકારી સંગઠન તરીકે વિકસી છે. 3 ફેબ્રુઆરી 1968ના રોજ સ્વામી યોગીજી મહારાજે સંસ્થાને ‘સુમુલ’ નામ આપ્યું હતું. સમય જતાં સુમુલ દ્વારા પશુપાલકોના હિત સાથે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પહોંચાડવા પર ભાર મૂકાયો અને સંસ્થાનું વાર્ષિક ટર્નઓવર આજે આશરે ₹10 હજાર કરોડ સુધી પહોંચ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે