
જુનાગઢ 25 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્પે.ખેલમહાકુંભ ૨૦૨૬નું આયોજન સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્રારા હાથ ધરાયેલ છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG), ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ ખેલાડીઓ પોતાની રમતગમતની પ્રતિભા દર્શાવી શકે તે હેતુથી ‘સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજ રોજ સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓના રજિસ્ટ્રેશન અને સ્પર્ધા અંગેના માર્ગદર્શન માટે એક ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જિલ્લાના બહોળી સંખ્યામાં સ્પેશિયલ શિક્ષકો (Special Educators) અને સંબંધિત રમતગમત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬માં માનસિક ક્ષતિગ્રસ્ત (MR), શારીરિક ક્ષતિગ્રસ્ત (OH), અંધજન/ઓછી દ્રષ્ટિ (Blind/Low Vision), શ્રવણ મંદ (Deaf), સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ સહિત વિવિધ ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ખેલાડીઓ માટે જિલ્લાકક્ષાથી રાજ્યકક્ષા સુધી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
ખેલાડીઓ માટે ઓનલાઈન/ઓફલાઈન રજિસ્ટ્રેશન તા. ૧૮/૦૯/૨૦૨૬ થી શરૂ થઈ ગયેલ છે અને તા. ૩૦/૧૦/૨૦૨૬ સુધી ચાલશે.શિબિરમાં ઉપસ્થિત શિક્ષકો અને અધિકારીશ્રીઓને જણાવવામાં આવ્યું હતું કે રજિસ્ટ્રેશન વખતે દિવ્યાંગ ખેલાડીનું કાયમી અથવા સિવિલ સર્જનનું માન્ય મેડિકલ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને બેંક પાસબુકની સ્પષ્ટ નકલ રજૂ કરવાની રહેશે.
જિલ્લાકક્ષાએ વિજેતા બની રાજ્યકક્ષામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને ટી-શર્ટ અને કેપ આપવામાં આવશે. સ્પર્ધાઓ દરમિયાન ખેલાડીઓ, એસ્કોર્ટ અને ઓફિશિયલ્સ માટે દૈનિક ભોજન ખર્ચ તથા નિયમ મુજબ પ્રવાસ ભથ્થું (TA) પણ ચૂકવવામાં આવશે. જિલ્લાકક્ષાએ: વ્યક્તિગત રમતો માટે પ્રથમ (રૂ. ૫,૦૦૦/-), દ્વિતીય (રૂ. ૩,૦૦૦/-), તૃતીય (રૂ. ૨,૦૦૦/-).
રાજ્યકક્ષાએ: વ્યક્તિગત રમતો માટે પ્રથમ (રૂ. ૧૦,૦૦૦/-), દ્વિતીય (રૂ. ૭,૦૦૦/-), તૃતીય (રૂ. ૫,૦૦૦/-) નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.જૂનાગઢ જિલ્લાના તમામ દિવ્યાંગ ખેલાડીઓ વધુમાં વધુ સંખ્યામાં આ સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬ માં ભાગ લે તે માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી તથા જિલ્લા રમતગમત અધિકારીદ્વારા તમામ સંસ્થાઓ, શાળાઓ અને વાલીઓને અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે સંપર્ક નંબર ૭૬૨૨૯ ૧૦૨૬૩ જે જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ કુમાર યાદવની અખબારી યાદી જણાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ