




કચ્છ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : અબડાસા તાલુકાના કોઠારા વિસ્તારમાં કથિત ગેરકાયદેસર વ્યાજખોરીના મામલે પશ્ચિમ કચ્છ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, લોકોને ઊંચા વ્યાજે નાણાં આપી બાદમાં ધાકધમકી અને દબાણના માધ્યમથી રોકડ રકમ ઉપરાંત સોના-ચાંદીના દાગીના, જમીનના દસ્તાવેજો, ચેકબુક સહિતની મિલકતો મેળવવાના આક્ષેપો સામે આવ્યા હતા. આ મામલે પોલીસે સર્ચ અને સીઝરની કાર્યવાહી કરી કુલ રૂ.2.25 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, વ્યાજના વ્યવહારમાં ફસાયેલા એક યુવકે કોઠારા પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. ફરિયાદીનો આક્ષેપ હતો કે તેને 10 ટકા વ્યાજે નાણાં આપવામાં આવ્યા બાદ સહી કરેલા કોરા ચેક, ચેકબુક, સ્ટેમ્પ તથા વાહન અને જમીનના સાટા કરાર કરવામાં આવ્યા હતા. વધુ સમય આપવાના નામે તેની કિંમતી જમીનના દસ્તાવેજો પણ મેળવી લેવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ થયો હતો.
આ માહિતીના આધારે કોઠારા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન કિંમતી દસ્તાવેજો તથા અન્ય સામગ્રી રાયધણપર ખાતેના એક મકાનમાં સંતાડવામાં આવી હોવાની બાતમી મળતા પોલીસે પંચોની હાજરીમાં તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં રૂ.1.24 કરોડથી વધુની રોકડ રકમ, આશરે 831 ગ્રામ સોનું અને 2.21 કિલોગ્રામ ચાંદીના દાગીના તથા સિક્કા મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ ઉપરાંત વિવિધ વ્યક્તિઓના મિલકતના અસલ દસ્તાવેજો, ખાતાવહીઓ, ઓળખકાર્ડ, રેશનકાર્ડ, બેન્ક કાર્ડ, ચેકબુક, સહી કરેલા ચેક, પાસબુક, વાહનોની આર.સી. બુક અને હિસાબી ડાયરીઓ સહિતની સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. એક મોબાઇલ ફોન સહિત જપ્ત મુદ્દામાલની કુલ અંદાજિત કિંમત રૂ.2.25 કરોડથી વધુ હોવાનું પોલીસ તરફથી જણાવાયું છે.
આ કેસમાં આમદ હાજી મામદ મંધરા અને ઓસમાણ હાજી મામદ મંધરાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને પાસે નાણાં ધીરધારનું માન્ય લાયસન્સ ન હોવા છતાં ઊંચા વ્યાજે નાણાં આપવાના અને નાણાંની વસૂલાત માટે મિલકત તથા કિંમતી ચીજવસ્તુઓ મેળવવાના આક્ષેપોની તપાસ ચાલી રહી છે.
પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે, બિનલાયસન્સ નાણાં ધીરનાર પાસેથી ઊંચા વ્યાજે નાણાં લેવાનું ટાળે. જો કોઈ વ્યક્તિ દ્વારા ધાકધમકી, દબાણ અથવા મિલકતના દસ્તાવેજો કરાવવા જેવી હેરાનગતિ કરવામાં આવતી હોય તો, તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. નાણાકીય વ્યવહાર સંબંધિત રસીદો, બેન્ક અથવા UPI ટ્રાન્ઝેક્શન, દસ્તાવેજો અને મેસેજ જેવા પુરાવા સાચવી રાખવા પણ પોલીસે સૂચના આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar