

કચ્છ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : અકસ્માતની ઘટના બને ત્યારે પ્રથમ કેટલીક મિનિટ અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. આવી સ્થિતિમાં ગભરાયા વિના યોગ્ય રીતે મદદ કરી શકાય તે માટે, કચ્છ જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત માર્ગ સુરક્ષા જાગૃતિ અને ફર્સ્ટ રિસ્પોન્ડર તાલીમના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાઈ રહેલા આ અભિયાનમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની વિવિધ ટીમો શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને અકસ્માત સમયે જરૂરી પ્રાથમિક સહાય અને ઇમરજન્સી પ્રતિસાદની તાલીમ આપી રહી છે.
ભુજ સહિત ભચાઉ, મુન્દ્રા, માંડવી, અબડાસા, નખત્રાણા, લખપત, અંજાર, રાપર, ગાંધીધામ અને કુકમા જેવા વિસ્તારોમાં યોજાયેલા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને અકસ્માત સ્થળે સૌપ્રથમ પોતાની સલામતી કેવી રીતે જાળવવી, ઇજાગ્રસ્તની સ્થિતિનું પ્રાથમિક મૂલ્યાંકન કેવી રીતે કરવું અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કેવી રીતે કરવો તેની સમજ આપવામાં આવી હતી.
નખત્રાણામાં કે.વી. હાઈસ્કૂલ, ITI તથા ટી.ડી. વેલાણી હાઈસ્કૂલમાં તાલીમ દરમિયાન રક્તસ્રાવ, બેભાન વ્યક્તિ, ફ્રેક્ચર તેમજ અન્ય ઈજાઓમાં જરૂરી પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન અપાયું હતું. વિદ્યાર્થીઓને CPR અંગે પણ પ્રાથમિક વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી. ભચાઉમાં ગુરુકુલ માધ્યમિક શાળા, HDD કન્યા વિદ્યાલય, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને પી.બી. ચાડવા સ્કૂલમાં પણ ફર્સ્ટ રિસ્પોન્ડર તાલીમ યોજાઈ હતી.
મુન્દ્રા, માંડવી, અબડાસા, લખપત, અંજાર અને રાપરમાં પણ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં માર્ગ સલામતી સાથે ફર્સ્ટ એઇડ અને ઇમરજન્સી પ્રતિસાદ અંગે તાલીમ અપાઈ હતી. લખપતના ફુલરા ખાતે 108 એમ્બ્યુલન્સ સેવાનું પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન યોજાયું હતું, જેમાં એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ તબીબી સાધનો અને ઇમરજન્સી સેવાના ઉપયોગ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.
ગાંધીધામ વિસ્તારમાં ITI, રાજાભાઈ કોમર્સ કોલેજ, જૂની સુંદરપુરી હાઈસ્કૂલ, એમ.પી. પટેલ કન્યા શાળા, આદિપુર સરકારી શાળા અને માતૃછાયા હાઈસ્કૂલ સહિતની સંસ્થાઓમાં માર્ગ સુરક્ષા અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આરોગ્યકર્મીઓ દ્વારા CPR સહિતની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી.
કુકમાની કે.જી. રાઠોડ હાઈસ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને અકસ્માત સમયે ઇજાગ્રસ્તને બિનજરૂરી રીતે ન ખસેડવા અને ગંભીર સ્થિતિમાં તાત્કાલિક 108નો સંપર્ક કરવા અંગે સમજ આપવામાં આવી હતી.
સમગ્ર અભિયાન દરમિયાન હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ, ઓવર સ્પીડથી બચવું, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરવો અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે પણ વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. આ પહેલનો હેતુ માત્ર માર્ગ સલામતીની સમજ વધારવાનો નહીં, પરંતુ અકસ્માતની ઘડીએ સમયસર અને જવાબદારીપૂર્વક મદદ કરી શકે તેવા સજાગ નાગરિકો તૈયાર કરવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar