
સુરત, 25 સપ્ટેમ્બર (હિ.સ.): સુરતના કમેલા દરવાજા વિસ્તારમાં આવેલી રિજન્ટ ટેક્સટાઇલ માર્કેટમાં, અચાનક આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. માર્કેટના ત્રીજા માળે આવેલી કેટલીક દુકાનોમાંથી ધુમાડો નીકળ્યા બાદ આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કાપડનો મોટો જથ્થો હોવાથી આગ વધુ ફેલાવાની ભીતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં વેપારીઓ અને ગ્રાહકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા.
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, માનદરવાજા, મજૂરા ગેટ સહિત આસપાસના 10થી વધુ ફાયર સ્ટેશનોની 18થી વધુ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ વિવિધ દિશામાંથી પાણીનો મારો ચલાવી લગભગ એક કલાકની કામગીરી બાદ આગને કાબૂમાં લીધી હતી. ભારે ધુમાડાના કારણે, ફાયરકર્મીઓને આગના સ્થળે પહોંચવામાં મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો હતો.
પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે આગનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જોકે દુકાનોમાં રહેલા કાપડના જથ્થાને નુકસાન પહોંચતાં લાખો રૂપિયાના નુકસાનની આશંકા છે.
કુલિંગની કામગીરી પૂર્ણ થયા બાદ ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે