
ભાવનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના પિલુદરા ખાતે આવેલા શક્તિધામમાં ગ્રામજનોના સહયોગથી આગામી સપ્તાહે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પિતૃ મોક્ષાર્થે આયોજિત આ કથા દરમિયાન ભાવિકો ભાગવત કથામૃતનું શ્રવણ કરી શકશે.
આ ધાર્મિક આયોજન સ્વામી શ્રી રામાનંદ તીર્થના માર્ગદર્શન અને આયોજન હેઠળ કરવામાં આવ્યું છે. કથામાં ભાવનગર જિલ્લાના રંઘોળા ગામનાં કથાકાર વૈશાલીબાળા આચાર્ય દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવશે. કથાકાર દ્વારા ભાગવતના વિવિધ પ્રસંગો, ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ, ભક્તિ, ધર્મ અને જીવનમૂલ્યો સાથે જોડાયેલા પ્રસંગોની રસસભર રજૂઆત કરવામાં આવશે.
આ કથાનું પ્રારંભ રવિવાર, તા. 27 સપ્ટેમ્બરથી થશે, જ્યારે કથાની પૂર્ણાહુતિ શનિવાર, તા. 3 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. કથાના વિવિધ દિવસોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કરે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA