
ઉજ્જૈન, નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર (હિ.સ.). અનંત ચતુર્દશીના પાવન અવસર પર શુક્રવારે વહેલી સવારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ભગવાન મહાકાલનો ગણેશ સ્વરૂપમાં વિશેષ શૃંગાર કરવામાં આવ્યો. ચાંદીના ચંદ્ર, ત્રિશૂળ, મુગટ, ચાંદીની મુંડમાળા અને રુદ્રાક્ષની માળાઓથી સજ્જ બાબા મહાકાલના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા. ભસ્મ આરતી દરમિયાન મંદિર પરિસર બાબા મહાકાલના જયઘોષથી ગુંજી ઉઠ્યું.
શુક્રવારે સવારે મંદિરના કપાટ ખુલ્યા પછી સૌથી પહેલા સભામંડપમાં વીરભદ્રજીના કાનમાં સ્વસ્તિ વાચન કરવામાં આવ્યું. ઘંટડી વગાડીને ભગવાન પાસેથી આજ્ઞા લીધા પછી સભામંડપના ચાંદીના કપાટ ખોલવામાં આવ્યા. ત્યારબાદ ગર્ભગૃહના કપાટ ખોલવામાં આવ્યા. પૂજારીઓએ ભગવાન મહાકાલનો શૃંગાર ઉતારીને જલાભિષેક અને પંચામૃત પૂજન કર્યું. દૂધ, દહીં, ઘી, ખાંડ, મધ અને ફળોના રસથી ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો. નંદી મહારાજનું પણ સ્નાન, ધ્યાન અને પૂજન કરવામાં આવ્યું.
ભસ્મ આરતી દરમિયાન ભગવાન મહાકાલનો ગણેશ સ્વરૂપમાં વિશેષ શૃંગાર કરવામાં આવ્યો. ભગવાનને ચાંદીનો ચંદ્ર, ત્રિશૂળ, મુગટ અને વિવિધ આભૂષણો ધારણ કરાવવામાં આવ્યા. શેષનાગનો ચાંદીનો મુગટ, ચાંદીની મુંડમાળા અને રુદ્રાક્ષની માળા અર્પણ કરવામાં આવી. ભાંગ, ચંદન, સૂકા મેવા અને ભસ્મથી પૂજન કરવામાં આવ્યું. આ સાથે સુગંધિત પુષ્પોની માળાઓથી ભગવાનનું અલંકરણ કરવામાં આવ્યું. ભસ્મ અર્પણ કરતા પહેલા પ્રથમ ઘંટ વગાડવામાં આવ્યો અને હરિઓમનું જળ અર્પણ કરીને મંત્રોચ્ચાર સાથે ભગવાનનું ધ્યાન કરવામાં આવ્યું. કપૂર આરતી પછી જ્યોતિર્લિંગને વસ્ત્રથી ઢાંકીને ભસ્મ અર્પણ કરવામાં આવી. ત્યારબાદ ભગવાનને આભૂષણો અને પુષ્પમાળાઓ ધારણ કરાવવામાં આવી.
મહા નિર્વાણી અખાડાએ ભસ્મ અર્પણ કરી.
ભસ્મ આરતીની પરંપરા અનુસાર મહા નિર્વાણી અખાડા તરફથી ભગવાન મહાકાલને ભસ્મ અર્પણ કરવામાં આવી. ધાર્મિક માન્યતા છે કે, ભસ્મ અર્પણ કર્યા પછી ભગવાન મહાકાલ નિરાકારમાંથી સાકાર સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે. આરતી પછી ભગવાન મહાકાલને ફળ અને મિષ્ટાનનો ભોગ ધરાવવામાં આવ્યો. ભસ્મ આરતીમાં સામેલ શ્રદ્ધાળુઓએ બાબા મહાકાલના દર્શન કર્યા અને નંદી મહારાજના દર્શન કરીને તેમના કાનમાં પોતાની મનોકામનાઓ કહી. આ દરમિયાન શ્રદ્ધાળુઓ સતત બાબા મહાકાલના જયઘોષ કરતા રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / નેહા પાંડે / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ