
નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર (હિ.સ.). યુપી આંતરરાષ્ટ્રીય ટ્રેડ શો (યુપીઆઈટીએસ) ના ચોથા સંસ્કરણનો પ્રારંભ આજે ઇન્ડિયા એક્સપો સેન્ટર એન્ડ માર્ટ, ગ્રેટર નોઇડામાં થશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, સવારે 11 વાગ્યે ઉદ્ઘાટન કરશે. તેમની સાથે પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. 88 દેશોના રાજદૂત અને 250 વિદેશી ખરીદદારો પણ સામેલ થશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ 29 સપ્ટેમ્બરના રોજ ટ્રેડ શોના સમાપન સમારોહમાં ભાગ લેશે.
ઉત્તર પ્રદેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર ચૌધરીએ ગુરુવારે નોઇડામાં પત્રકારોને જણાવ્યું કે, યુપીઆઈટીએસ પ્રદેશના ઉદ્યોગસાહસિકો, ઉત્પાદકો અને નિકાસકારોને વૈશ્વિક બજાર સાથે જોડશે. ઉદ્ઘાટન સમારોહ સવારે 11 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન એક્સપો માર્ટમાં પ્રવેશ પત્ર પર જ પ્રવેશ મળશે. ગૃહમંત્રી શાહ સવારે 11 વાગ્યે હેલિકોપ્ટરથી એક્સપો માર્ટ પહોંચશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમનું સ્વાગત કરશે.
ચૌધરીએ જણાવ્યું કે, આ વખતે છ દેશોને સહયોગી બનાવવામાં આવ્યા છે. ઉદ્ઘાટન સમારોહમાં 250 વિદેશી ખરીદદારો હાજર રહેશે. ટ્રેડ શોમાં 2,400 થી વધુ પ્રદર્શકો ભાગ લેશે. લગભગ દોઢ લાખ વ્યાપારી ખરીદદારો અને સાડા ચાર લાખથી વધુ સામાન્ય મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે. 85 દેશોમાંથી 600 થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો સામેલ થશે. અત્યાર સુધીમાં 72 દેશોના ખરીદદારોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. આ વર્ષે ઓસ્ટ્રિયા, જાપાન, રશિયા, સિંગાપોર, બેલારુસ અને વિયેતનામ ભાગીદાર દેશો તરીકે ભાગ લેશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ