
- 'રાષ્ટ્રીય લતા મંગેશકર સન્માન - 2026' થી સંગીત નિર્દેશક શાંતનુ મોઇત્રાને સન્માનિત કરવામાં આવશે.
ઇન્દોર, નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ.). મધ્ય પ્રદેશ શાસનના સંસ્કૃતિ વિભાગ દ્વારા જિલ્લા પ્રશાસનના સહયોગથી આજથી ઇન્દોરમાં બે દિવસીય રાષ્ટ્રીય લતા મંગેશકર સન્માન અલંકરણ સમારોહ અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમારોહમાં સુવિખ્યાત સંગીત નિર્દેશક શાંતનુ મોઇત્રા, મુંબઈને 'રાષ્ટ્રીય લતા મંગેશકર સન્માન - 2026' થી સન્માનિત કરવામાં આવશે.
સંસ્કૃતિ વિભાગના સંચાલક એન.પી. નામદેવે જણાવ્યું કે, સમારોહમાં આજે સાંજે 7 વાગ્યાથી 'અમર લતા અમારી લતા...' સંગીત સંધ્યાનું આયોજન થશે. જેમાં ઇન્દોરના ગાયક કલાકારો અભય આહુજા, વિવેક ભારદ્વાજ, સંજોત બારોટ, પદ્મા શુક્લા, સુષ્મા રાવ, સિદ્ધાર્થ દુબે, વૈશાલી ચૌહાણ, મુસ્કાન ચૌહાણ, સૌમ્યા સિંહા અને દીપિકા પુરોહિત દ્વારા ગીત-સંગીતની પ્રસ્તુતિ આપવામાં આવશે. આ સંગીત સંધ્યામાં પ્રવેશ નિ:શુલ્ક રહેશે.
નામદેવે જણાવ્યું કે, 28 સપ્ટેમ્બરના રોજ સાંજે 7 વાગ્યાથી રાષ્ટ્રીય લતા મંગેશકર સન્માન અલંકરણ સમારોહ અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે સંગીત નિર્દેશક શાંતનુ મોઇત્રાને સન્માનિત કરવામાં આવશે. સન્માન સ્વરૂપે કરમુક્ત પાંચ લાખ રૂપિયાની રકમ અને પ્રશસ્તિ પટ્ટિકા પ્રદાન કરવામાં આવશે. અલંકરણ સમારોહ પછી સુવિખ્યાત ગાયક જોડી સચેત - પરંપરાની સંગીત સંધ્યા યોજાશે. આ કાર્યક્રમમાં પ્રવેશ નિ:શુલ્ક રહેશે.
1984માં સ્થાપિત થયું રાષ્ટ્રીય લતા મંગેશકર સન્માન
નામદેવે જણાવ્યું કે, સુગમ સંગીતના ક્ષેત્રમાં કલાત્મક શ્રેષ્ઠતાને પ્રોત્સાહિત કરવાના હેતુથી મધ્યપ્રદેશ શાસન દ્વારા રાષ્ટ્રીય લતા મંગેશકર સન્માન વર્ષ 1984માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ સન્માન વારાફરતી સંગીત રચના અને ગાયન માટે પ્રદાન કરવામાં આવે છે. આ સન્માનથી અત્યાર સુધીમાં 42 વિભૂતિઓ સન્માનિત થઈ ચૂકી છે. ગત વર્ષે આયોજિત અલંકરણ સમારોહમાં વર્ષ 2024નું સંગીત નિર્દેશન માટે શંકર – અહેસાન – લોય, મુંબઈ અને વર્ષ 2025નું પાર્શ્વ ગાયન માટે સોનુ નિગમ, મુંબઈને સન્માનિત કરવામાં આવ્યા હતા.
લગે રહો મુન્નાભાઈ, 3 ઇડિયટ્સ, પીકુનું સંગીત બનાવ્યું
શાંતનુ મોઇત્રા ભારતીય સિનેમાના એવા સંગીતકારોમાંના એક છે, જેમની રચનાઓમાં સુરોની મધુરતા સાથે સંવેદનાઓ, લોકધૂનો અને જીવનના અનુભવોની ઊંડી છાપ જોવા મળે છે. 22 જાન્યુઆરી, 1968ના રોજ લખનઉમાં જન્મેલા શાંતનુએ જાહેરાત જગતમાંથી સંગીતની દુનિયામાં પગ મૂક્યો અને આગળ જતાં હિન્દી સિનેમાના મુખ્ય સંગીતકાર અને બેકગ્રાઉન્ડ સ્કોર કમ્પોઝર તરીકે પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી. 'પરિણીતા', 'હજારોં ખ્વાહિશેં ઐસી', 'લગે રહો મુન્નાભાઈ', '3 ઇડિયટ્સ', 'મદ્રાસ કેફે', 'પીકુ', 'ઓક્ટોબર' અને '12મી ફેલ' જેવી ફિલ્મોમાં તેમનું સંગીત વાર્તાના ભાવોને સ્વર આપે છે. તેમની કલાને રાષ્ટ્રીય સ્તરે પણ સન્માન મળ્યું છે. તેલુગુ ફિલ્મ 'ના બંગારુ તલ્લી' માટે તેમને 2014માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (શ્રેષ્ઠ સંગીત નિર્દેશન - બેકગ્રાઉન્ડ સ્કોર) પ્રાપ્ત થયો.
સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ
રાજ્ય શાસનના સંસ્કૃતિ વિભાગની પોતાની સાંસ્કૃતિક વિરાસતને સતત સંરક્ષિત અને પ્રસારિત કરવાની પરંપરા છે. આ અલંકરણ સમારોહ અને સંગીત સંધ્યા તે જ પરંપરાનું અનુસરણ છે. આપણા પ્રદેશમાં અનેક મહાન વિભૂતિઓનો જન્મ થયો અને તેમણે કાર્ય પણ કર્યું. આ આપણા બધા પ્રદેશવાસીઓ માટે ગર્વનો વિષય છે કે સ્વર કોકિલા ભારત રત્ન લતા મંગેશકરનો જન્મ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં થયો હતો. તેમણે હજારો ગીતો ગાયા જે આજે પણ લોકપ્રિય છે. આવા આયોજનોથી એ જ પ્રયાસ થાય છે કે યુવા પેઢી પોતાની વિરાસતથી પરિચિત થાય અને તેને આગળ વધારવાનું કાર્ય પણ કરે. સંસ્કૃતિ વિભાગ દ્વારા મહાન વિભૂતિઓના નામ પર 20થી પણ વધુ સન્માન સ્થાપિત છે.
હિન્દુસ્થાન સમાચાર/ મુકેશ તોમર/ મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ