
નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા અને અન્યોએ, રવિવારે વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) ના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી.
અમિત શાહે એક્સ પર કહ્યું, વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ, સાદગી અને ધર્મનિષ્ઠાના પ્રતીક અશોક સિંઘલની જયંતિ પર હું તેમને નમન કરું છું. તમામ સુખોનો ત્યાગ કરીને નિઃસ્વાર્થ ભાવે રાષ્ટ્ર, સંસ્કૃતિ અને વિચારધારા પ્રત્યે જીવન સમર્પિત કરવાનો જે આદર્શ અશોક સિંઘલે સ્થાપિત કર્યો, તે ભાગ્યે જ જોવા મળે છે. કટોકટી (આપત્કાલ) વિરુદ્ધ અવાજ ઉઠાવવાથી લઈને શ્રી રામ જન્મભૂમિ આંદોલનને ગતિ આપવા સુધી, તેમનો સંઘર્ષ અને સમર્પણ હંમેશા માર્ગદર્શન આપતું રહેશે.
જે.પી. નડ્ડાએ કહ્યું કે, રાષ્ટ્રના સાંસ્કૃતિક સ્વાભિમાનની રક્ષા માટે અશોક સિંઘલે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું. શ્રીરામ જન્મભૂમિ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કરવામાં તેમનું યોગદાન તથા કટોકટી (આપત્કાલ) દરમિયાન લોકતાંત્રિક મૂલ્યોની રક્ષા માટે તેમનો સંઘર્ષ અવિસ્મરણીય રહેશે. તેમનો ત્યાગ, તપ, સાહસ અને અટૂટ સંકલ્પ આવનારી પેઢીઓને રાષ્ટ્રસેવાના પથ પર હંમેશા પ્રેરિત કરતો રહેશે.
કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રીએ કહ્યું કે, રામ જન્મભૂમિ આંદોલનના પ્રણેતા, વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલને તેમની માતૃભૂમિની સેવા અને ધર્મની રક્ષાના અપ્રતિમ કાર્યો અને પ્રયાસો માટે તેમને યુગો-યુગો સુધી યાદ કરવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને કહ્યું કે, અશોક સિંઘલે પોતાનું સંપૂર્ણ જીવન મા ભારતીની સેવામાં સમર્પિત કર્યું. શ્રીરામ જન્મભૂમિ આંદોલનથી લઈને સમાજ જાગરણ સુધી તેમનું દ્રઢ નેતૃત્વ અને અટૂટ સંકલ્પ રાષ્ટ્રના પુનરુત્થાનમાં મહત્વપૂર્ણ રહ્યું. તેમનું જીવન સૌને પોતાની વિરાસત પ્રત્યે સજાગ રહેતા રાષ્ટ્રહિતમાં નિરંતર કાર્ય કરવા અને પોતાના મૂલ્યો પ્રત્યે દ્રઢ રહેવાનો માર્ગ બતાવતું રહેશે.
કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, શ્રીરામ મંદિર નિર્માણના સંકલ્પને જન-આંદોલન બનાવવામાં અશોક સિંઘલનો ત્યાગ, તપસ્યા અને અતુલનીય યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે. રાષ્ટ્ર અને ધર્મની સેવામાં સમર્પિત તેમનું સંપૂર્ણ જીવન સૌના માટે પ્રેરણાસ્ત્રોત છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ