
સુરત, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : સુરત ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ સલામતી અંગે વ્યાપક જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી બારડોલી આર.ટી.ઓ. કચેરી દ્વારા સાંકરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘રોડ સેફ્ટી અવેરનેસ’ કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે રોડ સેફ્ટી કમિશનર સતીશ પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ દેશનું યુવાધન માર્ગ સુરક્ષા પ્રત્યે વધુ સભાન, જવાબદાર અને જાગૃત બને તેવો પ્રેરણાદાયી સંદેશ પાઠવ્યો હતો. રસ્તા પર થતા અકસ્માતોનું પ્રમાણ અટકાવવા માટે ટુ-વ્હીલર ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવા અને ફોર-વ્હીલરમાં સીટબેલ્ટનો ઉપયોગ કરવા અંગે ખાસ અનુરોધ કર્યો હતો.
યુવાનોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં આ કાર્યક્રમ દરમિયાન બારડોલીના ઉદાત દાતા મહેન્દ્ર પટેલના સૌજન્યથી વિદ્યાર્થીઓને 1500 મફત હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જાગૃતિ અભિયાનમાં ઉમરાખ કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સહભાગી બન્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી તેમજ ટ્રાફિકના નિયમોના શિસ્તબદ્ધ પાલન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે બારડોલીના ધારાસભ્ય સર્વશ્રી ઈશ્વર પરમાર, કુંવરજી હળપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, રોડ સેફટી કમિશનર સતીશ પટેલ, વિદ્યાર્થીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, અગ્રણીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે