
ભાવનગર, 29 સપ્ટેમ્બર (હિ.સ.) શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે વિવિધ પોષકતત્ત્વોથી ભરપૂર ફળોનું સેવન મહત્વનું માનવામાં આવે છે. ખાસ કરીને શરીરમાં હિમોગ્લોબિન અથવા લોહતત્વની ઉણપ હોય ત્યારે આહારમાં લોહતત્વ ધરાવતા ખાદ્યપદાર્થોનો સમાવેશ કરવો જરૂરી બને છે. ડ્રેગન ફ્રુટ અને ફિંડવા જેવા ફળોમાં લોહતત્વ સહિત વિવિધ પોષકતત્ત્વો મળી આવે છે.
આ અંગે આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. પાયલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, લાલ રંગના ફળોમાં લોહતત્વ સહિતના પોષકતત્ત્વો મળી આવે છે. હિમોગ્લોબિનની ઉણપ ધરાવતા લોકો માટે આવા ફળો આહારમાં ઉપયોગી બની શકે છે. જોકે, ખોરાકમાંથી મળતા લોહતત્વનું શરીરમાં યોગ્ય રીતે શોષણ થાય તે માટે પાચનતંત્રનું સ્વસ્થ હોવું પણ એટલું જ જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડ્રેગન ફ્રુટ અને ફિંડવામાં લોહતત્વ મળી આવે છે. આ ફળોનું સેવન ખટાશવાળા ફળો સાથે કરવામાં આવે તો તેમાં રહેલું વિટામિન-સી લોહતત્વના શોષણમાં મદદરૂપ થઈ શકે છે. ડ્રેગન ફ્રુટને લીંબુના પાણી અથવા અન્ય વિટામિન-સી ધરાવતા ખાટા ફળ સાથે લઈ શકાય છે.
નિષ્ણાતના જણાવ્યા મુજબ, માત્ર કોઈ એક ફળના સેવનથી લોહતત્વની ઉણપ દૂર થાય તે જરૂરી નથી. સંતુલિત અને પોષક આહાર સાથે વ્યક્તિની પાચનક્રિયા પણ સારી હોવી જરૂરી છે. આરોગ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય તો નિષ્ણાતની સલાહ વિના દવા કે અન્ય પ્રયોગો કરવા નહીં.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA