
- સતર્કતા, કર્તવ્યનિષ્ઠા અને ત્વરિત કાર્યવાહીના કારણે સંભવિત રેલ અકસ્માતો ટળ્યા.
ભાવનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં સુરક્ષિત રેલ પરિચાલનમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પાંચ (05) કર્મચારીઓને તેમની અસાધારણ સતર્કતા, કર્તવ્યનિષ્ઠા અને ત્વરિત નિર્ણયક્ષમતા બદલ વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક સુનિલ કુમાર ગુપ્તાની ભલામણ પર મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા દ્વારા DRM સુરક્ષા પુરસ્કાર (DRM Safety Award)થી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન સમારોહ મંડળ રેલ પ્રબંધક કાર્યાલય, ભાવનગર પરા ખાતે યોજાયો હતો, જ્યાં તમામ સન્માનિત કર્મચારીઓને પ્રશસ્તિપત્ર અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા ઉપસ્થિત રહ્યા હતા.
સન્માનિત કર્મચારીઓમાં અનિલ કુમાર (ઉપ સ્ટેશન અધિક્ષક-લીંબડી), રાજુ સિંહ (કાંટેવાળા-ચુડા), રાજેન્દ્ર સિંહ રાવ (કાંટેવાળા-લીંબડી), ઘનશ્યામ સી. (કાંટેવાળા-લાઠીદડ) અને જોગિન્દર કુમાર (ગેટમેન/ભૂતપૂર્વ સૈનિક-ગાંધીગ્રામ)નો સમાવેશ થાય છે. આ તમામ કર્મચારીઓએ ફરજ દરમિયાન પોતાની સતર્કતા અને ત્વરિત કાર્યવાહી દ્વારા સંભવિત રેલ અકસ્માતોને ટાળી સુરક્ષિત રેલ પરિચાલન સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે મંડળ રેલ પ્રબંધકે પુરસ્કાર પ્રાપ્ત કરનાર કર્મચારીઓની પ્રશંસા કરતાં તેમને ભાવનગર મંડળના તમામ રેલ કર્મચારીઓ માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા, સતર્કતા અને સેવા પ્રત્યેનું સમર્પણ જ સુરક્ષિત રેલ પરિચાલનનો સૌથી મજબૂત આધારસ્તંભ છે. રેલવે કર્મચારીઓની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીના કારણે વિવિધ ઘટનાઓમાં સંભવિત અકસ્માતોને ટાળી શકાયા હતા. રેલવે ટ્રેક સાથે છેડછાડ કરી રહેલા અનધિકૃત વ્યક્તિઓને સમયસર પકડી પાડવામાં આવ્યા હતા અને 64 પેન્ડ્રોલ ક્લિપ્સ દૂર કરવામાં આવવાથી થનારા સંભવિત અકસ્માતને અટકાવવામાં આવ્યો હતો. તેવી જ રીતે, દોડતી માલગાડીમાં જામ થયેલા બ્રેક અને વધુ પડતા સ્પાર્કિંગની ઓળખ કરીને ટ્રેનને રોકવામાં આવી હતી. મુસાફર ટ્રેનમાં જામ થયેલા બ્રેકમાંથી ધુમાડો નીકળવાની સમયસર જાણ કરવામાં આવી હતી. તેમજ માલગાડીના એક વેગનમાંથી ધુમાડો નીકળતા તાત્કાલિક આગ બુઝાવીને વ્હીલ પર જમા થયેલી ધાતુને દૂર કરવામાં આવી હતી. અન્ય એક ઘટનામાં માલગાડીના વેગનના વ્હીલ સ્પ્રિંગમાં લાગેલી આગને સમયસર બુઝાવીને સંભવિત ગંભીર અકસ્માત તેમજ રેલવે સંપત્તિને થનારા નુકસાનને ટાળવામાં આવ્યું હતું.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ તમામ સન્માનિત કર્મચારીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે સુરક્ષા પ્રત્યે સતર્ક અને સમર્પિત કર્મચારીઓ જ ભારતીય રેલવેની સૌથી મોટી શક્તિ છે. તેમણે તમામ કર્મચારીઓને ભવિષ્યમાં પણ આ જ રીતે સતર્કતા, શિસ્ત અને ઉત્કૃષ્ટ કાર્યસંસ્કૃતિ સાથે સુરક્ષિત રેલ પરિચાલનમાં પોતાનું યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ પોતાના કર્મચારીઓની સતર્કતા, ત્વરિત નિર્ણયક્ષમતા અને જવાબદારીપૂર્ણ કાર્યશૈલીની પ્રશંસા કરે છે. આવા સમર્પિત કર્મચારીઓના પ્રયાસો માત્ર સુરક્ષિત રેલ પરિચાલનને વધુ મજબૂત બનાવતા નથી, પરંતુ મુસાફરો, રેલવે સંપત્તિ તેમજ રાષ્ટ્રીય સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ