સુરતના સંગીની હબ-2માં આગનો બનાવ, માર્કેટમાં મચી અફરાતફરી
સુરત, 28 સપ્ટેમ્બર (હિ.સ.): સુરતના સારોલી વિસ્તારમાં આવેલી સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટમાં આજે આગ લાગતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. માર્કેટના પહેલા માળે આવેલી એક દુકાનમાંથી અચાનક ધુમાડો નીકળ્યા બાદ આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કાળા ધુમ
Chaos at Saroli's Sangini Hub


સુરત, 28 સપ્ટેમ્બર (હિ.સ.): સુરતના સારોલી વિસ્તારમાં આવેલી સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટમાં આજે આગ લાગતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. માર્કેટના પહેલા માળે આવેલી એક દુકાનમાંથી અચાનક ધુમાડો નીકળ્યા બાદ આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કાળા ધુમાડાના ગોટેગોટા સમગ્ર બિલ્ડિંગમાં ફેલાતા વેપારીઓ, ગ્રાહકો અને કામદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો સલામત સ્થળે દોડી ગયા હતા.

ઘટનાની જાણ થતાં સુરત ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. શહેરના વિવિધ ફાયર સ્ટેશનોમાંથી 15થી વધુ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર જવાનોએ માર્કેટ ખાલી કરાવી ચારેય તરફથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. કાપડનો મોટો જથ્થો હોવાથી આગ વધુ ફેલાય નહીં તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે ચોક્કસ કારણ તપાસ બાદ જ સામે આવશે. દિવાળી પહેલાં માર્કેટમાં મોટા પ્રમાણમાં કાપડનો સ્ટોક હોવાથી વેપારીઓમાં ચિંતા જોવા મળી હતી. હાલની માહિતી મુજબ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ દુકાન અને માલસામાનને થયેલા નુકસાનનો ચોક્કસ અંદાજ મળી શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande