


પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નં.3 હેઠળ આવતા વ્રજભવન-બ્રાહ્મણ સોસાયટી, નીધીપાર્ક સોસાયટી અને હરીધામ સોસાયટીના રહીશોને હવે સિટી બસ સેવાનો લાભ મળતો થયો છે. આ વિસ્તારોમાં છેલ્લા 10 થી15 વર્ષથી સિટી બસ સેવા શરૂ કરવાની માંગણી કરવામાં આવી રહી હતી.
સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને પગલે વોર્ડ નં.3ના કોર્પોરેટરો દ્વારા પણ આ મુદ્દે અવારનવાર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. લાંબા સમયથી પડતર રહેલી આ માંગણીને પગલે હવે ત્રણેય વિસ્તારોને સિટી બસ સેવા સાથે જોડવામાં આવ્યા છે. સિટી બસ સેવા શરૂ થતાં સ્થાનિક નાગરિકોને શહેરના વિવિધ વિસ્તારોમાં અવરજવર કરવામાં વધુ સુવિધા મળશે. ખાસ કરીને દૈનિક કામકાજ, શિક્ષણ, ખરીદી તેમજ અન્ય જરૂરી કામો માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરતા રહીશોને તેનો લાભ મળશે.સિટી બસ સેવા શરૂ કરવાના પ્રસંગે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખડો. ચેતનાબેન તિવારી, મહામંત્રી પ્રવિણભાઈ ખોરાવા, શહેર પ્રમુખ લક્કિરાજસિંહ વાળા તેમજ વોર્ડ નં.3ના કોર્પોરેટર નીરવભાઈ દવેના પ્રતિનિધિ તરીકે તેમના ભાઈ ધવલભાઈ દવે, કોર્પોરેટર રાંભીબેન અરભમભાઈ ઓડેદરા, કોર્પોરેટર વીણાબેન કેતનભાઈ થાનકી તથા કોર્પોરેટર અરજણભાઈ કોડીયાતરના પ્રતિનિધિ ગોગનભાઈ કોડીયાતર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, છાંયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ થાનકી સહિત સ્થાનિક આગેવાનો, ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
વોર્ડનં. 3 ના વિસ્તારોમાં જાહેર પરિવહનની લાંબા સમયથી રહેલી જરૂરિયાત પૂર્ણ થતાં સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી જોવા મળી હતી. સિટી બસ સેવા શરૂ થવાથી આ વિસ્તારોના નાગરિકોને દૈનિક અવરજવરમાં વધુ સુવિધા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya