વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ પ્રદર્શન
વડોદરા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : કોંગ્રેસ પક્ષ તરફથી દેશભરમાં વોટ ચોર, ગાદી છોડ ના નારા સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તુરંત જ તેમના પદ પરથી હટાવવાની તેમજ તેમના રાજીનામાની સ્પષ્ટ માંગણી કરવામાં આવી હતી. વડોદરામાં આજે પૂર્વ કેન્દ્રીય મંત
Congress workers protest against Chief Election Commissioner in Vadodara


વડોદરા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : કોંગ્રેસ પક્ષ તરફથી દેશભરમાં વોટ ચોર, ગાદી છોડ ના નારા સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તુરંત જ તેમના પદ પરથી હટાવવાની તેમજ તેમના રાજીનામાની સ્પષ્ટ માંગણી કરવામાં આવી હતી.

વડોદરામાં આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે એક વિશાળ અને ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને સ્વાયત્તતા પર ગંભીર સવાલો ઉઠાવતા કોંગ્રેસના કાર્યકરો તેમજ મહિલા આગેવાનો કાળા કપડાં અને કાળી પટ્ટી ધારણ કરીને રસ્તા પર ઉતરી આવ્યા હતા.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોના હાથમાં શહીદ ભગતસિંહની તસવીરો અને “સ્વાયત્ત ચૂંટણી પંચ કે ભાજપનું ટૂલ?” જેવા આકરા પ્રશ્નો લખેલા બેનરો જોવા મળ્યા હતા, જેના માધ્યમથી તેમણે દેશમાં લોકશાહી અને મતાધિકારના રક્ષણ અંગેની પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

'ચૂંટણી કમિશનર રાજીનામું આપે... રાજીનામું આપે...'

આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ કાયદાકીય મર્યાદાઓ અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાની માંગ સાથે ભારે નારેબાજી કરી હતી. કાર્યકરો દ્વારા “ચૂંટણી કમિશનર રાજીનામું આપે... રાજીનામું આપે...” અને “શરમ કરો... શરમ કરો...”ના મોટેથી નારા લગાવીને સમગ્ર વાતાવરણ ગજવી મૂકવામાં આવ્યું હતું.

કોંગ્રેસ પક્ષ તરફથી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તુરંત જ તેમના પદ પરથી હટાવવાની તેમજ તેમના રાજીનામાની સ્પષ્ટ માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેમના કાર્યકાળ દરમિયાન લેવાયેલા તમામ નીતિગત નિર્ણયોની એક સ્વતંત્ર અને નિષ્પક્ષ સમીક્ષા કરવામાં આવે અને જરૂર પડે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ માંગણી રજૂ કરવામાં આવી હતી. વડોદરામાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં લોકશાહી મૂલ્યોના જતન અને નાગરિકોના મતાધિકારની સુરક્ષાને મુખ્ય કેન્દ્રબિંદુ બનાવવામાં આવ્યા હતા.

પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી અને તેમની ટીમે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ પોતાની સ્વાયત્તતા ગુમાવી રહ્યું છે, જે લોકશાહી દેશ માટે અત્યંત ચિંતાજનક બાબત છે. કાળા વસ્ત્રો, ભગતસિંહની વિપ્લવી પ્રતીક સમાન તસવીરો અને ધારદાર બેનરો સાથે થયેલા આ પ્રદર્શને વડોદરાના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.

સમગ્ર વિરોધ કાર્યક્રમમાં ચૂંટણી પંચની ભૂમિકા અંગે ઊંડા સવાલો ઉઠાવીને પક્ષે ભવિષ્યમાં પણ આ મુદ્દે કાનૂની અને રાજકીય લડાઈ ચાલુ રાખવાનો સંકેત આપ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા પૂતળાદહન કરવામાં આવ્યું હતું જે દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande