


નર્મદા જિલ્લાના ધાર્મિક અને આધ્યાત્મિક જગતમાં શોકની લાગણી ફેલાઈ છે
છેલ્લા 30 વર્ષથી નર્મદા પરિક્રમા સાથે જોડાયેલા હતા
ઉઘાડા પગે અને માત્ર કેસરી પોતડી ધારણ કરીને નર્મદા પરિક્રમા કરતા હતા
મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન 1000થી વધુ વખત નર્મદા પરિક્રમા કરી છે
ભરૂચ 28 સપ્ટેમ્બર (હિ.સ.) નર્મદા જિલ્લાના ધાર્મિક અને આધ્યાત્મિક જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. નર્મદા પરિક્રમા સાથે ત્રણ દાયકાથી વધુ સમયથી જોડાયેલા અને ‘નર્મદા પુત્ર’ તરીકે આગવી ઓળખ ધરાવતા સાવરિયા મહારાજનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. શૂલપાણેશ્વર ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, સાવરિયા મહારાજ છેલ્લા બે વર્ષથી બીમારીથી પીડાતા હતા. તેમ છતાં નર્મદા પ્રત્યેની તેમની શ્રદ્ધા અને પરિક્રમા પ્રત્યેની નિષ્ઠા માટે તેઓ ભક્તોમાં વિશેષ ઓળખ ધરાવતા હતા. તેઓ છેલ્લા 30 વર્ષથી નર્મદા પરિક્રમા સાથે જોડાયેલા હોવાનું જણાવાય છે.
સાવરિયા મહારાજની ઓળખ તેમની અનોખી જીવનશૈલીને કારણે પણ હતી. તેઓ ઉઘાડા પગે અને માત્ર કેસરી પોતડી ધારણ કરીને નર્મદા પરિક્રમા કરતા હતા. ધોમધખતા તાપમાં પણ પગપાળા પરિક્રમા ચાલુ રાખતા હોવાનું તેમના અનુયાયીઓ જણાવે છે. નર્મદા પરિક્રમા દરમિયાન તેઓ નિયમિત રીતે નર્મદા સ્નાન પણ કરતા હતા.
સાવરિયા મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન 1000થી વધુ વખત નર્મદા પરિક્રમા કરી હોવાનું કહેવામાં આવે છે. આ ઉપરાંત લાખો શ્રદ્ધાળુઓને નિઃસ્વાર્થ ભાવે નર્મદા પરિક્રમા કરાવી હોવાનું પણ જણાવાય છે. અંદાજે 4 લાખથી વધુ લોકોને તેમણે નર્મદા પરિક્રમા કરાવી હોવાનો દાવો છે.
સાવરિયા મહારાજની નર્મદા સાધનામાં નર્મદા સ્નાનનું પણ વિશેષ સ્થાન હતું. 31 દિવસની પરિક્રમા દરમિયાન તેમણે 900થી 1000 વખત સુધી નર્મદા સ્નાન કર્યું હોવાનું કહેવાઈ છે.
નર્મદા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, પગપાળા પરિક્રમા અને સેવાભાવને કારણે સાવરિયા મહારાજે ભક્તોમાં આગવી ઓળખ બનાવી હતી. તેમના નિધનના સમાચારથી નર્મદા પરિક્રમા સાથે જોડાયેલા સાધુ-સંતો, શ્રદ્ધાળુઓ અને ભક્તોમાં શોકની લાગણી ફેલાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ