
સોમનાથ,28 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્ય સરકારના સેવા સંકલ્પ અંતર્ગત વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે સ્વચ્છતા અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના આચાર્ય ડૉ. સ્મિતા છગના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજની લેબોરેટરીઓ, સમગ્ર કોલેજ કેમ્પસ, જૂની આઈ.ટી.આઈ. બિલ્ડિંગની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરાંત, જાલેશ્વર બીચ વિસ્તાર તેમજ કોલેજના નવા બિલ્ડિંગ ખાતે પણ સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પરિસરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે કોલેજના ઈણાજ ખાતેનાં નવા બિલ્ડિંગનાં પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. કોલેજનાં આચાર્ય, પરિવારના સભ્યો તેમજ વિદ્યાર્થીઓએ વિવિધ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા કેમ્પસના નિર્માણ માટે સંકલ્પ લીધો હતો.
આ સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને “સ્વચ્છ પરિસર – હરિયાળું પરિસર”નો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષ સંરક્ષણ અંગે જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો.
આ કાર્યક્રમના સંયોજક તરીકે ડૉ. ચિરાગ ગોસાઈ અને પ્રો. વિક્રમ ડી. બકોત્રાએ જવાબદારી નિભાવી હતી. સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળ દ્વારા આવા કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી, પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા અને સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ