
કચ્છ, 28 સપ્ટેમ્બર (હિ.સ.) 'ઓપરેશન ખોજ’માં પશ્ચિમ કચ્છ પશ્ચિમ કચ્છ જિલ્લામાં લાંબા સમયથી પ્રોહિબિશનના ગુનાઓમાં નાસતો ફરતો અને પોલીસની યાદીમાં વોન્ટેડ આરોપી રાસુભા ઉર્ફે રાસીયો તગજી સોઢાને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અબડાસા તાલુકાના ખાનાય સીમ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 37 ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે, જ્યારે અન્ય 9 ગુનાઓમાં તેની ધરપકડ બાકી હોવાનું પણ સામે આવ્યું છે.
લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડવા એલસીબી દ્વારા વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ખાનાય વિસ્તારના જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં છુપાઈને રહેતો હોવાથી તેને ઝડપી પાડવા માટે ટીમે અત્યંત સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી હતી.એલસીબીના જવાનો દ્વારા અંદાજે 15 દિવસ સુધી સતત તપાસ અને વોચ રાખવામાં આવી હતી. જંગલ વિસ્તારમાં સ્થાનિક ખેડૂત તથા સામાન્ય લોકો જેવો વેશ ધારણ કરી ટીમે આરોપીની હિલચાલ અંગે માહિતી એકત્ર કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પોલીસ સાથે આક્રમક વર્તન કરવા માટે જાણીતો હોવાથી સમગ્ર ઓપરેશન દરમિયાન ટીમે ખાસ તકેદારી રાખી હતી.
આ દરમિયાન ખાનગી બાતમીના આધારે રાસુભા વહેલી સવારે ખાનાય સીમ વિસ્તારમાં આવેલા ડુંગરની કોતરોમાંથી બહાર આવી ગામ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. માહિતી મળતાં એલસીબીની ટીમ તાત્કાલિક સક્રિય બની હતી. આરોપી અન્ય એક નિર્જન સ્થળે આશરો લઈને સૂતો હોવાની જાણ થતાં પોલીસ કર્મચારીઓએ જંગલની ઝાડીઓ અને ઘાસનો ઓથ લઈ તેની નજીક પહોંચવાની કાર્યવાહી શરૂ કરી હતી.
આખરે પોલીસ કર્મચારીઓ વિરેન્દ્રસિંહ જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા અને શ્યામ ગઢવીની ટીમે સંકલિત કામગીરી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ રાસુભા ઉર્ફે રાસીયો તગજી સોઢા વિરુદ્ધ પશ્ચિમ કચ્છના વિવિધ પોલીસ મથકોમાં વર્ષોથી પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે. હવે તેની ધરપકડ બાદ બાકી રહેલા ગુનાઓ અંગેની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે.LCBની મોટી સફળતા
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar