


પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં બાવનગોળ તેજાનંદ બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ દ્વારા માતૃશક્તિ સંગમ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજની મહિલાઓ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. સંમેલનનો મુખ્ય હેતુ મહિલા સશક્તિકરણ, સામાજિક જાગૃતિ અને પરિવારના સંસ્કારોને પ્રોત્સાહન આપવાનો હતો.
આ પ્રસંગે 20 વર્ષથી વધુ સમયથી સાસુ-સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતી પુત્રવધૂઓનું શિલ્ડ, સાલ અને ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમાજસેવામાં યોગદાન આપતા પુરુષોની પત્નીઓનું પણ વિશેષ બહુમાન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન મહિલાઓ માટે આરોગ્ય તપાસ, હિમોગ્લોબિન ટેસ્ટ, વિવિધ સ્પર્ધાઓ અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંમેલનમાં મહિલા સશક્તિકરણ, બેટી બચાવો, યુવાન બેટી બચાવો અને બાળ ઉછેર જેવા મહત્વના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરાવવાની પણ જાહેરાત કરવામાં આવી. કાર્યક્રમમાં બિલ્ડર રોહિતભાઈ પંચોલી, ગાયનેકોલોજિસ્ટ ડો. રોનકબેન મોદી અને સીડીપીઓ રંજનબેન શ્રીમાળી ઉપસ્થિત રહ્યા હતા. અલ્પાહારની વ્યવસ્થા કમલેશ દ્વારા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ