
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા મહાનગરપાલિકાએ નવી હાથલારીઓ ખરીદવાને બદલે ગેરેજમાં પડેલી જૂની હાથલારીઓની મરામત કરીને ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે. દોઢેક મહિનામાં 91 હાથલારીઓની મરામત પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે વધુ 15 લારીઓની મરામત હાલ ચાલી રહી છે. આમ, કુલ 106 હાથલારીઓને ઉપયોગ માટે તૈયાર કરવામાં આવી છે.
એક હાથલારીની મરામત પાછળ સરેરાશ ₹800નો ખર્ચ થયો છે. આ પ્રમાણે 106 હાથલારીઓની મરામત પાછળ આશરે ₹84,800નો ખર્ચ થયો છે. જો જેમ પોર્ટલના પ્રતિ લારી ₹10,200ના દરે 106 લારીઓ ખરીદવામાં આવી હોત તો આશરે ₹10.81 લાખનો ખર્ચ થાત. આથી નવી ખરીદીની સરખામણીએ મનપાને આશરે ₹10 લાખની બચત થઈ છે.
ઉલ્લેખનીય છે કે જેમ પોર્ટલ મારફતે ₹10,200ના ભાવે 250 હાથલારીઓ ખરીદવાનો પ્રસ્તાવ હતો. બીજી તરફ મનપાના ગેરેજમાં વર્ષ 2023માં ₹6,500ના ભાવે ખરીદાયેલી અનેક હાથલારીઓ ખોટવાયેલી હાલતમાં પડી હતી. આ અંગે અહેવાલ બાદ જૂની લારીઓની મરામત કરવાનો નિર્ણય લેવાયો હતો. ગેરેજના ચાર કર્મચારીઓ દ્વારા બેરિંગ બદલવા, વેલ્ડિંગ, બ્રશિંગ અને કલર સહિતની કામગીરી કરવામાં આવી છે.
મનપાના કારોબારી ચેરમેન દિપકભાઈ પટેલના જણાવ્યા મુજબ, નજીવા ખર્ચે લારી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તો નવી ખરીદી ટાળવામાં આવશે. ભવિષ્યમાં જરૂરિયાત વધશે તો નવી લારીઓ ખરીદવા અંગે વિચારણા કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR