મહેસાણામાં હબ ટાઉનના ચોથા માળે યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો, પોલીસ-ફાયરની સમયસૂચકતાથી બચ્યો જીવ
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણાની મોઢેરા ચોકડી નજીક આવેલા હબ ટાઉન સંકુલમાં 27 સપ્ટેમ્બરની મોડી રાત્રે એક યુવક ચોથા માળે ચડી જઈ જીવન ટૂંકાવવાની વાત કરતા અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી
મહેસાણામાં હબ ટાઉનના ચોથા માળે યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો, પોલીસ-ફાયરની સમયસૂચકતાથી બચ્યો જીવ


મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણાની મોઢેરા ચોકડી નજીક આવેલા હબ ટાઉન સંકુલમાં 27 સપ્ટેમ્બરની મોડી રાત્રે એક યુવક ચોથા માળે ચડી જઈ જીવન ટૂંકાવવાની વાત કરતા અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને લાંબી સમજાવટ બાદ યુવકને સલામત રીતે નીચે ઉતારી મોટી હોનારત ટાળી હતી.

મળતી માહિતી મુજબ રાત્રે આશરે 9:47 વાગ્યે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની નાગલપુર પોલીસ ચોકીની 112 PCR વાનને યુવક અંગેની જાણ થઈ હતી. હબ ટાઉનના બ્લોક-Jના ચોથા માળે આશરે 25 વર્ષનો યુવક રેલિંગ નજીક બેઠો હોવાનું અને નીચે કૂદવાની ધમકી આપતો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવકને જોવા માટે લોકોનું ટોળું એકઠું થયું હતું. મહિલા હેડ કોન્સ્ટેબલ રિંકુબેને યુવક ગભરાઈ ન જાય તે રીતે તેની સાથે વાતચીત શરૂ કરી હતી. આશરે એક કલાક સુધી સમજાવટ દરમિયાન યુવકે પોતાનું નામ જીગર ઠાકોર, મૂળ મોડાસા અને હાલ દેદિયાસણ ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળે પહોંચી હતી.

પોલીસ અને ફાયર કર્મચારીઓએ તક મળતા યુવકને પાછળથી પકડી સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ જઈ ચા-નાસ્તો કરાવી શાંત પાડવામાં આવ્યો હતો. માતા-પિતાની હાજરીમાં કાઉન્સેલિંગ કર્યા બાદ તેને પરિવારને સોંપવામાં આવ્યો હતો. બી-ડિવિઝન PI ગઢવીએ યુવક અંગત કારણોસર તણાવમાં હોવાનું જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande