
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા શાક માર્કેટમાં લીંબુની આવક ઘટતાં ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. હોલસેલ બજારમાં એક કિલો લીંબુનો ભાવ ₹125થી ₹160 સુધી પહોંચી ગયો છે, જ્યારે છૂટક બજારમાં વેપારીઓ ₹250થી ₹350 પ્રતિ કિલોના ભાવે લીંબુનું વેચાણ કરી રહ્યા છે. ભાવમાં વધારો થતાં ગૃહિણીઓના બજેટ પર અસર પડી છે અને સામાન્ય ખરીદદારો પણ લીંબુની ખરીદીમાં ઘટાડો કરી રહ્યા છે.
મહેસાણા ઉત્તર ગુજરાતમાં લીંબુના વેપારનું મહત્વનું કેન્દ્ર છે. જોકે હાલમાં બજારમાં લીંબુની આવક ઘટી જતાં અછત જેવી સ્થિતિ ઊભી થઈ છે. સામાન્ય દિવસોમાં હોલસેલ બજારમાં લીંબુનો ભાવ આશરે ₹50થી ₹60 પ્રતિ કિલો રહેતો હતો. તેની સરખામણીએ હાલ ભાવમાં 2થી 3 ગણો વધારો નોંધાયો છે.
વેપારીઓના જણાવ્યા મુજબ આવકમાં ઘટાડો ભાવ વધવાનું મુખ્ય કારણ છે. હોલસેલમાં ₹125થી ₹160નો ભાવ હોવા છતાં છૂટક બજારમાં ₹250થી ₹350 સુધી ભાવ વસૂલવામાં આવી રહ્યો છે. જેના કારણે ગ્રાહકોમાં પણ ભાવને લઈને નારાજગી જોવા મળી રહી છે.
લીંબુના ભાવમાં અચાનક થયેલા વધારાને કારણે રોજિંદા રસોઈમાં લીંબુનો ઉપયોગ કરતા પરિવારો પર વધારાનો ખર્ચ આવી રહ્યો છે. આવકમાં સુધારો થાય ત્યારબાદ ભાવમાં ઘટાડો થાય તેવી વેપારીઓની અપેક્ષા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR