
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : કડી તાલુકાના નારોલ ગામે આવેલી જમીનને લઈને મૃતક ખેડૂતના નામે બોગસ સહીઓ કરી બનાવટી બાનાખત તૈયાર કરી ₹25 લાખ મેળવ્યાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે કલોલમાં રહેતા વિનય ઈશ્વરભાઈ રબારી સામે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગાંધીનગર તાલુકાના અડાલજ ખાતે રહેતા 34 વર્ષીય કનુજી જયંતીજી ઠાકોરે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પિતા જયંતીજી ગુગાજી ઠાકોરનું 16 જાન્યુઆરી 2024ના રોજ અવસાન થયું હતું. ત્યારબાદ પરિવાર દ્વારા અડાલજ અને કડી તાલુકાના નારોલ ખાતે આવેલી જમીનમાં વારસાઈ હક્કે નામ દાખલ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
પરિવાર દ્વારા નારોલની 1-58-51 હેક્ટર જમીનના વેચાણ માટે ટાઈટલ ક્લિયરન્સની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. દરમિયાન 10 માર્ચ 2026ના રોજ કડીના એડવોકેટ મારફતે લીગલ નોટિસ મળતા પરિવારને જમીન અંગેના બાનાખતની જાણ થઈ હતી. નોટિસમાં જણાવાયું હતું કે 8 માર્ચ 2019ના રોજ કલોલના વિનય રબારીએ અમદાવાદના નોટરી રૂબરૂમાં જયંતીજીના ભાગની 0-39-62 હેક્ટર જમીનનો કબજા વગરનો વેચાણ બાનાખત કરાર કરાવ્યો હતો અને તેના બદલામાં ₹25 લાખ ટુકડે-ટુકડે રોકડ ચૂકવ્યા હતા.
દસ્તાવેજોની તપાસ દરમિયાન જયંતીજીના ચૂંટણી કાર્ડમાં નામ અંગે વિસંગતતા જોવા મળી હતી. બાનાખત પરની સહીઓ અંગે પણ શંકા જતા ખાનગી હસ્તાક્ષર નિષ્ણાત પાસે ચકાસણી કરાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ નિષ્ણાતના અહેવાલમાં કુદરતી હસ્તાક્ષર અને બાનાખત પરની સહીઓ વચ્ચે મેળ ન હોવાનું જણાવાયું હતું. આ આધારે કનુજીએ બોગસ દસ્તાવેજ બનાવી છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરી નંદાસણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR