
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લામાં પ્રોહિબીશન સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે અટકાયતી કાર્યવાહી અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા એક આરોપીને પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. દાંતીવાડા તાલુકાના નાનીભાખર ગામના ઇન્દ્રજીતસિંહ વાધેલાની મહેસાણાથી અટકાયત કરી કચ્છ-ભુજની પાલારા મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ ઇન્દ્રજીતસિંહ વનરાજસિંહ સરતાનસિંહ વાધેલા વિરુદ્ધ ઊંઝા અને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનાનો ગુનાહિત ઇતિહાસ નોંધાયેલો છે. જાહેર વ્યવસ્થા અને શાંતિ જળવાઈ રહે તે માટે આવા તત્વો સામે અટકાયતી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.
આ અનુસંધાને મહેસાણા LCB દ્વારા આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ, મહેસાણાને મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ જારી થયા બાદ LCBની ટીમે આરોપીની અટકાયત માટે કાર્યવાહી હાથ ધરી હતી.
LCBના PSI બી.એ. પરમાર સહિતના સ્ટાફે 28 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 13:05 કલાકે મહેસાણા ખાતેથી ઇન્દ્રજીતસિંહ વાધેલાની અટકાયત કરી હતી. ત્યારબાદ તેને પાલારા મધ્યસ્થ જેલ, કચ્છ-ભુજ ખાતે મોકલવાની તજવીજ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR