
મહેસાણા, 27 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી 2 એક્ટિવા ચોરીનો ભેદ પોલીસે ઉકેલી ચોરાયેલા બંને વાહનો સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 65,000ની કિંમતના 2 એક્ટિવા કબજે કર્યા છે.
મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે ચાલી રહેલી કામગીરી દરમિયાન ઊંઝા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન PSI એમ.કે. કાપડિયા અને ASI રજનીકાંત બાબુલાલને બાતમી મળી હતી કે કામલી તરફ જતા ખોડિયાર માતાજીના મંદિર નજીક એક શખ્સ નંબર પ્લેટ વગરનું બ્લ્યુ રંગનું એક્ટિવા લઈને આવવાનો છે. પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ ઈસમને ઝડપી લીધો હતો.
પૂછપરછમાં આરોપીએ 24 ઓગસ્ટના રોજ રમણવાડી ચોક ખાતેથી બ્લ્યુ રંગનું એક્ટિવા ચોર્યું હોવાની કબૂલાત કરી હતી. તપાસમાં આ એક્ટિવા હોવાનું અને તેની કિંમત 30,000 હોવાનું સામે આવ્યું હતું. વધુ પૂછપરછમાં તેણે 4 સપ્ટેમ્બરના રોજ ઊંઝા બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી સફેદ રંગનું એક્ટિવા ચોર્યું હોવાનું પણ જણાવ્યું હતું. આ વાહન કામલી ગામની સીમમાંથી મળી આવ્યું હતું. સફેદ એક્ટિવા ની કિંમત 35,000 હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસે બંને વાહનો કબજે કરી હર્ષદજી દાનસંગજી દીવાનજી ઠાકોરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કામગીરીમાં ઊંઝા પોલીસની વિવિધ ટીમના કર્મચારીઓ જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR