
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : વિજાપુર તાલુકાના ભાવસોર રોડ પર આવેલી સરદાર પબ્લિક સ્કૂલ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિકના યોગ્ય નિકાલ અંગે જાગૃતિ આવે તે હેતુથી આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
અભિયાન દરમિયાન ટ્રસ્ટી અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવા તેમજ જાહેર સ્થળોએ કચરો ન ફેલાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ‘સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ વિજાપુર અને પ્લાસ્ટિકમુક્ત વિજાપુર’ના સંકલ્પ સાથે યોજાયેલા આ અભિયાનમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
અભિયાનમાં સૌથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્ર કરનાર વિદ્યાર્થીઓને વિજાપુર તાલુકા પંચાયત-02 બિલિયા બેઠકના સદસ્ય પટેલ દીપકુમાર ઇન્દ્રભાઈ દ્વારા પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સરદાર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી અને વિજાપુર નગરપાલિકા વોર્ડ નં. 1ના કોર્પોરેટર જયમીનભાઈ એસ. પટેલ સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અભિયાન દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR