
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) વિજાપુર તાલુકાના જુના ફુદેડા ગામમાં અજગર દેખાતા ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી. ગ્રામજનોએ સામાજિક કાર્યકર તરુણ પટેલનો સંપર્ક કરી વન વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ ફોરેસ્ટ અધિકારી પાયલબેન ટીમ સાથે મધ્યરાત્રિ દરમિયાન સ્થળ પર પહોંચ્યા હતા અને અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, અજગર દેખાયા બાદ વન વિભાગના કેટલાક સ્ટાફનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ફોન પર પ્રતિસાદ મળ્યો ન હતો. આ અંગે સામાજિક કાર્યકર તરુણ પટેલે વિજાપુરના ફોરેસ્ટ અધિકારી મિલનભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરી રજૂઆત કરી હતી.
રજૂઆત દરમિયાન તાત્કાલિક પરિસ્થિતિમાં વન વિભાગ સાથે સંપર્ક અને કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારી દ્વારા ભવિષ્યમાં આવી પરિસ્થિતિમાં નાગરિકો સીધો તેમનો સંપર્ક કરી શકે અને વન વિભાગ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.
અજગરનું રેસ્ક્યુ થયા બાદ ગ્રામજનોએ ફોરેસ્ટ અધિકારી પાયલબેન અને ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. સામાજિક કાર્યકર તરુણ પટેલે પણ રજૂઆતને ગંભીરતાથી લેવા બદલ અધિકારીનો આભાર માન્યો હતો.
વન્યપ્રાણી ગામ કે રહેણાંક વિસ્તારમાં જોવા મળે ત્યારે તેને પકડવાનો કે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ન કરી સુરક્ષિત અંતર જાળવી વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR