નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ‘મિશન મધમાખી’ અંતર્ગત મધમાખી પાલન અંગે એક દિવસીય તાલીમ યોજાઈ
નવસારી, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અને મિશન મધમાખી અંતર્ગત “મધમાખી પાલન” અંગે એક દિવસીય તાલીમ કાર્યક્રમ નવસારી કૃષિ યુનિવર્સિટીના વનીય મહાવિદ્યાલય તથા નાયબ બાગાયત નિયામકની કચેરી, નવસારીના સંયુક્ત ઉપક્રમે સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલ ખાત
Navsari Agricultural University


નવસારી, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અને મિશન મધમાખી અંતર્ગત “મધમાખી પાલન” અંગે એક દિવસીય તાલીમ કાર્યક્રમ નવસારી કૃષિ યુનિવર્સિટીના વનીય મહાવિદ્યાલય તથા નાયબ બાગાયત નિયામકની કચેરી, નવસારીના સંયુક્ત ઉપક્રમે સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલ ખાતે યોજાયો હતો.

કાર્યક્રમનું ઉદ્ઘાટન નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર.એમ. નાયકના હસ્તે કરવામાં આવ્યું હતું. તાલીમ કાર્યક્રમમાં નવસારી, વ્યારા, ચીખલી, બિલીમોરા અને જૂનાગઢ સહિતના વિવિધ સ્થળોએથી આશરે 145 જેટલાં તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મધમાખી પાલનના વ્યવહારુ પાસાઓ, તાલીમ મોડ્યુલ તથા પ્રાયોગિક સત્રો અંગે તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કુલપતિ ડૉ. આર.એમ. નાયકે ડંખ વગરની મધમાખીઓના મધના વિશેષ ગુણો અંગે માહિતી આપી આવી મધમાખીઓના ઉછેર અને પ્રચાર-પ્રસારના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે મધમાખી પાલન અંગેના પોતાના અનુભવો પણ તાલીમાર્થીઓ સાથે વહેંચ્યા હતા. તેમણે મધમાખી પાલનને ખેતીના એક મહત્વપૂર્ણ અંગ તરીકે અપનાવી ફાર્મ ડાઇવર્સિફિકેશનને પ્રોત્સાહન આપવા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

કુલપતિએ ખેડૂતોની આવક વધારવામાં મધમાખી પાલનની સંભાવનાઓ પર પ્રકાશ પાડતા યુનિવર્સિટીમાં મધમાખી સંશોધન અને તાલીમ માટે ઉપલબ્ધ સુવિધાઓની માહિતી આપી હતી. તેમણે ખેડૂત સમુદાય માટે આ પ્રકારનો ઉપયોગી અને પ્રભાવશાળી તાલીમ કાર્યક્રમ યોજવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

ડૉ. અભિષેક મહેતાએ તાલીમાર્થીઓને મધમાખી ઉછેરના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ તાલીમ દરમિયાન યોજાનારા વિવિધ મોડ્યુલ અને પ્રાયોગિક સત્રોની વિગતો રજૂ કરી હતી.

સંયુક્ત બાગાયત નિયામક દિનેશ પડાળીયાએ બાગાયત વિભાગ દ્વારા ખેડૂતો માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ તથા નાણાકીય સહાયની યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખેડૂતોને મધમાખી પાલનને કૃષિ સાથે જોડીને આવકનો વધારાનો સ્ત્રોત ઊભો કરવા અનુરોધ કર્યો હતો.

ડૉ. હેમંત શર્માએ કૃષિ ઉત્પાદનમાં પરાગનયન માટે મધમાખીઓની મહત્વપૂર્ણ ભૂમિકા સમજાવી હતી. તેમણે રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી “સ્વીટ રેવોલ્યુશન” (મીઠી ક્રાંતિ) અંગે માહિતી આપતાં ખેડૂતોને ખેતરોમાં મધમાખી પાલન અપનાવી વધારાની આવક મેળવવા પ્રોત્સાહિત કર્યા હતા.

અંતમાં મદદનીશ બાગાયત નિયામક, નવસારી અંકુર પટેલે તાલીમ કાર્યક્રમના સફળ આયોજનમાં સહયોગ આપવા બદલ નવસારી કૃષિ યુનિવર્સિટી, બાગાયત વિભાગ, તાલીમકારો તથા તમામ તાલીમાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ એક દિવસીય તાલીમ કાર્યક્રમ થકી ખેડૂતો અને તાલીમાર્થીઓને મધમાખી પાલનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, તેના કૃષિ ક્ષેત્રમાં મહત્વ તેમજ વધારાની આવકના સ્ત્રોત તરીકે તેની સંભાવનાઓ અંગે ઉપયોગી માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા, એ.બી.એમ. કોલેજ પ્રિન્સિપાલ ડૉ. જયેશ જે. પસ્તાગીયા, વનીય મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ ડૉ. એમ.બી. ટંડેલ, ડૉ. આર.પી. ગુનાગા,ડૉ. મિનલ ટંડેલ સહિત વનીય મહાવિદ્યાલયના અધ્યાપકો તેમજ પ્રગતિશીલ મધમાખી પાલક અને તાલીમકાર અશોકભાઈ પટેલ (ચીખલી) ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande