
સુરત, 28 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પ સાથે આભવા સ્થિત જયદીપ મેમોરિયલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી મહાવિદ્યાલય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
મહાવિદ્યાલયના એન.એસ.એસ. યુનિટ, ગ્રો નેટીવ ગ્રીન અને સુરત ટેનિસ ક્લબના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ જાતિના 500 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોલેજ ટ્રસ્ટના પ્રણેતા મતી સવિતા શારદા, ચેરમેન વિરેન્દ્ર શારદા, મેનેજિંગ ડિરેક્ટર ડૉ. યોગિતા શારદા, ગ્રો નેટીવ ગ્રીન તથા સુરત ટેનિસ ક્લબના સભ્યઓ, મહાવિદ્યાલયના કેમ્પસ ડિરેક્ટર, આચાર્ય, પ્રાધ્યાપકઓ, એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ તેમજ આભવા વિસ્તારના સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની વૃક્ષારોપણ કર્યું હતું. મંત્રોચ્ચાર અને પર્યાવરણ જાગૃતિના સૂત્રોચ્ચાર સાથે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ અવસરે ઉપસ્થિત સૌએ માત્ર વૃક્ષોનું વાવેતર જ નહીં, પરંતુ વાવેલા વૃક્ષોના જતન, સંવર્ધન અને સંરક્ષણની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પર્યાવરણની જાળવણીમાં વૃક્ષોના મહત્વને સમજાવી આવનારી પેઢી માટે સ્વચ્છ, હરિયાળું અને પર્યાવરણને અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે