બરોડા ડેરીના પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના હિતમાં ડેસર ઝોનના બરોડા ડેરીના ડિરેક્ટર દ્વારા રજૂઆત
વડોદરા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : વડોદરા જિલ્લાના દૂધ ઉત્પાદકો અને સરકારી દૂધ મંડળીઓના હિતને લગતા વિવિધ મુદ્દાઓ પર જિલ્લાના ડેસર ઝોનના બરોડા ડેરીના ડિરેક્ટર સુરપાલસિંહ પરમારે બરોડા ડેરીના એમ.ડી.ને પત્ર લખી સાધારણ સભામાં પશુપાલકો, દૂધ ઉત્પાદકો અને સરકા
Baroda Dairy 2


વડોદરા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : વડોદરા જિલ્લાના દૂધ ઉત્પાદકો અને સરકારી દૂધ મંડળીઓના હિતને લગતા વિવિધ મુદ્દાઓ પર જિલ્લાના ડેસર ઝોનના બરોડા ડેરીના ડિરેક્ટર સુરપાલસિંહ પરમારે બરોડા ડેરીના એમ.ડી.ને પત્ર લખી સાધારણ સભામાં પશુપાલકો, દૂધ ઉત્પાદકો અને સરકારી દૂધ મંડળીઓના હિતને લગતા વિવિધ મુદ્દાઓ પર લેખિત રજૂઆત કરી છે.

પત્રમાં કુલ 9 જેટલા મહત્વના મુદ્દાઓ રજૂ કરી પશુપાલકોને પડતી સમસ્યાઓના નિરાકરણ અને વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માંગ કરવામાં આવી છે.

રજૂઆતમાં દૂધ ઉત્પાદકોને યોગ્ય અને સારો ભાવફેર મળે તે માટેની વ્યવસ્થા કરવા તેમજ પૂરના કારણે બંધ થયેલી દૂધ મંડળીઓને પુનઃ શરૂ કરવા અંગે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ દૂધ પરિવહનના રૂટ અને સમગ્ર દૂધ સંગ્રહ-પરિવહન વ્યવસ્થાની સમીક્ષા કરી વધુ સુદૃઢ વ્યવસ્થા ઉભી કરવા પણ રજૂઆત કરાઈ છે.

આ ઉપરાંત દૂધની ફેટ અને એસએનએફ પરીક્ષણની પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટે યોગ્ય વ્યવસ્થા, પશુ આહાર તથા પશુ આરોગ્ય સેવાઓમાં પશુપાલકોને રાહત મળે તેવી યોજનાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરાઈ છે. પશુપાલકોની ફરિયાદોનું ઝડપી નિરાકરણ આવે તે માટે ઓનલાઇન ફરિયાદ નિવારણ વ્યવસ્થા શરૂ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

પશુપાલકો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવા માંગ

પત્રમાં નવી દૂધ મંડળીઓ અને દૂધ સંગ્રહ કેન્દ્રોને પ્રોત્સાહન આપવાની સાથે નાના પશુપાલકો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવા પણ માંગ કરવામાં આવી છે. ઉપરાંત સભાસદ દૂધ મંડળીઓ સાથે નિયમિત સંવાદ જળવાઈ રહે અને સંસ્થાની કામગીરી તથા હિસાબી વ્યવસ્થામાં વધુ પારદર્શિતા આવે તેવા પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે.

જિલ્લાના ડેસર ઝોનના ડિરેક્ટર સુરપાલસિંહ પરમારે જણાવ્યું છે કે આ તમામ મુદ્દાઓનો મુખ્ય હેતુ બરોડા ડેરી સાથે જોડાયેલા પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના હિતનું રક્ષણ કરી તેમને વધુ સારી સુવિધા અને યોગ્ય વળતર મળી રહે તે છે. સાધારણ સભામાં રજૂ કરાયેલા આ મુદ્દાઓ અંગે બરોડા ડેરી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande