“એક ભારત શ્રેષ્ઠ ભારત” રાષ્ટ્રીય શિબિર અંતર્ગત 400થી વધુ NCC કેડેટ્સની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે મુલાકાત
ગાંધીનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) “એક ભારત શ્રેષ્ઠ ભારત” રાષ્ટ્રીય શિબિરના ભાગરૂપે ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ, તમિલનાડુ, પુડુચેરી અને આંદામાન અને નિકોબાર ડિરેક્ટોરેટ્સનું પ્રતિનિધિત્વ કરતા 400થી વધુ NCC કેડેટ્સે 25 સપ્ટેમ્બર 2026
RRU ગાંધીનગર


RRU ગાંધીનગર


ગાંધીનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) “એક ભારત શ્રેષ્ઠ ભારત” રાષ્ટ્રીય શિબિરના ભાગરૂપે ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ, તમિલનાડુ, પુડુચેરી અને આંદામાન અને નિકોબાર ડિરેક્ટોરેટ્સનું પ્રતિનિધિત્વ કરતા 400થી વધુ NCC કેડેટ્સે 25 સપ્ટેમ્બર 2026ના રોજ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)ની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન કેડેટ્સને ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના શૈક્ષણિક, તાલીમ અને સંસ્થાકીય વાતાવરણને નજીકથી અનુભવવાની તક મળી. RRU શિક્ષણ, સંશોધન, તાલીમ અને નવીનતા દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા, પોલીસિંગ, સંરક્ષણ, જાહેર સલામતી અને સંબંધિત ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા વિકસાવવા માટે કાર્યરત છે.મુલાકાત દરમિયાન કેડેટ્સને RRUની આધુનિક લેબોરેટરીસ, વિશિષ્ટ તાલીમ સુવિધાઓ, શૈક્ષણિક માળખાકીય સુવિધાઓ અને ટેક્નોલોજી આધારિત શિક્ષણ વ્યવસ્થાથી પરિચિત કરાવવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના નિષ્ણાતોએ કેડેટ્સને ડ્રોન ટેક્નોલોજી, ઇમર્જિંગ ટેક્નોલોજી, ઇનોવેશન અને આંત્રેપ્રેન્યોરશિપ અંગે પણ માહિતી આપી હતી. આ અંતર્ગત યુનિવર્સિટીની ડ્રોન સુવિધાઓ અને Atal Incubation Centreની માહિતી દ્વારા આધુનિક ટેક્નોલોજીના સમકાલીન પડકારોના નિરાકરણમાં ઉપયોગ અંગે સમજ આપવામાં આવી હતી.કેડેટ્સને RRUની વિવિધ વિશિષ્ટ શાળાઓ અને કેન્દ્રો તેમજ બહુવિષયક શૈક્ષણિક અને તાલીમ કાર્યક્રમો અંગે પણ પરિચિત કરવામાં આવ્યા હતા. આ મુલાકાત દ્વારા તેમને રાષ્ટ્રીય સુરક્ષા શિક્ષણ, રિસર્ચ, ઇનોવેશન અને કેપેસિટી બિલ્ડીંગના ક્ષેત્રોમાં RRUના યોગદાન અંગે જાણકારી પ્રાપ્ત થઈ હતી.આ મુલાકાત “એક ભારત, શ્રેષ્ઠ ભારત” પહેલનો એક ભાગ હતી, જે દેશના વિવિધ પ્રદેશોના લોકો વચ્ચે સતત અને સુવ્યવસ્થિત સાંસ્કૃતિક જોડાણોને પ્રોત્સાહન આપે છે. આ પહેલનો વિચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2015ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રજૂ કર્યો હતો, જે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. વિવિધ પ્રદેશોના NCC કેડેટ્સની ભાગીદારી દ્વારા સાંસ્કૃતિક આદાન-પ્રદાન, પરસ્પર શીખણ અને ભારતની “એકતામાં વિવિધતા”ની ભાવનાને સમજવાની તક મળી હતી.આ મુલાકાતનું સંકલન ગુજરાતમાં યજમાન NCC બટાલિયન, 1 ગુજરાત બટાલિયન દ્વારા અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના એક્સટેંશન અને ડિસ્ટન્સ લર્નિંગ ડાયરોક્ટોરેટે (EDLD) તથા સ્કૂલ ઓફ એનસીસી, પોલીસ અને માર્સીઅલ મ્યુઝિક બેન્ડ (SNPMMB)ના સંકલનથી કરવામાં આવ્યું હતું. સંકલિત પ્રયાસોના પરિણામે કેડેટ્સને RRUના શૈક્ષણિક, તકનીકી અને તાલીમ આધારિત સમગ્ર પરિસરનો પરિચય અને અનુભવ પ્રાપ્ત થયો હતો.RRU ખાતે યોજાયેલી આ મુલાકાત અને પરસ્પર સંવાદ દ્વારા નેતૃત્વ, શિસ્ત, ઇનોવેશન, ટીમવર્ક અને ટેક્નોલોજીકલ સજ્જતાનું રાષ્ટ્રીય સુરક્ષાની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્વ ઉજાગર થયું હતું. કાર્યક્રમના સમાપનમાં યુવા NCC કેડેટ્સની રાષ્ટ્રનિર્માણમાં ભૂમિકા તથા સુરક્ષિત, સક્ષમ, મક્કમ અને વિકસિત ભારતના નિર્માણમાં તેમના યોગદાન પર ભાર મૂકવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande