
સુરત, 28 સપ્ટેમ્બર (હિ.સ.) પારદર્શક પ્રશાસન અને જનસેવાના અભિગમ સાથે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સુરત જિલ્લાના ઉમરપાડા, માંડવી, ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના વિવિધ ગામો ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમો યોજાશે. રાજય સરકાર દ્વારા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સરળતાથી એક જ સ્થળેથી મળી રહે તેમજ જરૂરી અરજીઓનો સ્થળ પર જ સ્વીકાર થઈ શકે તે હેતુથી .29/09/2026ના રોજ સુરતના ઉમરપાડાની ચોખાવાડાં પ્રા.શાળા, માંડવીની જામણકુવાબાર પ્રા.શાળા, ચોર્યાસીના દામકા કોમ્યુનિટી હોલ અને ઓલપાડની નઘોઈ પ્રા.શાળા ખાતે સવારે 9:00થી સાંજે 5:00 કલાક સુધી ‘સેવા સેતુ’ કાર્યકમ યોજાશે.
જેમાં નાગરિકોને આવકનો દાખલો, જાતિના પ્રમાણપત્ર, નોન-ક્રિમિલેયર પ્રમાણપત્ર, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ, આધારકાર્ડ સંબંધિત સેવાઓ, આયુષ્માન કાર્ડ, વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, દિવ્યાંગતા પ્રમાણપત્ર સહિતની વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી શકશે. આ ઉપરાંત મહાનગરપાલિકા તેમજ સમાજ કલ્યાણ અને સમાજ સુરક્ષા વિભાગને લગતી વિવિધ સેવાઓ અને યોજનાઓ માટે પણ માર્ગદર્શન તથા અરજીની સુવિધા ઉપલબ્ધ રહેશે.
નાગરિકોને જરૂરી આધાર-પુરાવા તથા સંબંધિત દસ્તાવેજો સાથે કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહી ‘સેવા સેતુ’ કાર્યક્રમનો લાભ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે