સિદ્ધપુરના ગણેશપુરાની યોગાંજલિ વિદ્યાવિહારમાં સ્વચ્છતા પર્વનો પ્રારંભ, સાવરણા બનાવવાની કાર્યશાળા યોજાઈ
પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના ગણેશપુરા સ્થિત યોગાંજલિ વિદ્યાવિહારમાં ગાંધી જયંતિ નિમિત્તે સાપ્તાહિક સ્વચ્છતા પર્વનો પ્રારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમના પ્રથમ દિવસે સાવરણા બનાવવાની ખાસ કાર્યશાળા યોજાઈ હતી. મહાત્મા ગાંધીના ‘નઈ તાલીમ’ના વિચાર
સિદ્ધપુરના ગણેશપુરાની યોગાંજલિ વિદ્યાવિહારમાં સ્વચ્છતા પર્વનો પ્રારંભ, પ્રથમ દિવસે સાવરણા બનાવવાની ખાસ કાર્યશાળા યોજાઈ.


પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના ગણેશપુરા સ્થિત યોગાંજલિ વિદ્યાવિહારમાં ગાંધી જયંતિ નિમિત્તે સાપ્તાહિક સ્વચ્છતા પર્વનો પ્રારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમના પ્રથમ દિવસે સાવરણા બનાવવાની ખાસ કાર્યશાળા યોજાઈ હતી. મહાત્મા ગાંધીના ‘નઈ તાલીમ’ના વિચાર અને સ્વચ્છતાના સંદેશને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યશાળામાં વિદ્યાર્થીઓ અને સંસ્થાના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કુલ 40 સાવરણા તૈયાર કર્યા હતા. આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સ્વચ્છતા, શ્રમ પ્રત્યે આદર, સ્વાવલંબન અને સામૂહિક કાર્યશૈલીની ભાવના વિકસાવવાનો હતો. સાથે જ વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણનો વ્યવહારુ અનુભવ પણ મળ્યો.

યોગાંજલિ કેળવણી મંડળ સંચાલિત વિદ્યાવિહારમાં દર વર્ષે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા પર્વ ઉજવવામાં આવે છે. રમિલાબેન ગાંધીના વિચારો અને જીજ્ઞાબેન દવેના માર્ગદર્શન હેઠળ આવી રચનાત્મક પ્રવૃત્તિઓ યોજાય છે. કાર્યકરો કિર્તીજી ઠાકોર, અનિલ પરમાર, વિષ્ણુજી ઠાકોર અને ગુણવંત શ્રીમાળીના માર્ગદર્શનથી કાર્યશાળા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande