ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ખોરાકમાંથી જીવાત ભારે વિવાદ, એક વિદ્યાર્થિનીની તબિયત લથડી
- હોસ્ટેલની 100થી વિદ્યાર્થિનીઓએ ભારે હોબાળો મચાવ્યો. અમદાવાદ, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : હમણાં રાજ્ય સરકાર વિધાનસભામાં એક ફૂડ સેફટી બિલ લાવી કે જેમાં ગ્રાહક રેસ્ટોરંટના કિચનમાં જઈ સફાઇ અને સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરે છે કે નહીં તે માટે રેસ્ટોરંટ માલિકે લ
Huge controversy over food contamination in Samaras Girls Hostel on Gujarat University campus, health of a student deteriorates


- હોસ્ટેલની 100થી વિદ્યાર્થિનીઓએ ભારે હોબાળો મચાવ્યો.

અમદાવાદ, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : હમણાં રાજ્ય સરકાર વિધાનસભામાં એક ફૂડ સેફટી બિલ લાવી કે જેમાં ગ્રાહક રેસ્ટોરંટના કિચનમાં જઈ સફાઇ અને સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરે છે કે નહીં તે માટે રેસ્ટોરંટ માલિકે લાઈવ કેમેરા લગાવવા પડશે ત્યારે આજે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં જમવાને લઈને વિવાદ સર્જાયો છે. ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને આપવામાં આવેલા ખોરાકમાંથી જીવાત નીકળતા ભારે વિવાદ સર્જાયો છે.

જમ્યા બાદ એક વિદ્યાર્થિનીની તબિયત લથડી જવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ખરાબ જીવાતવાળા ખોરાક હોસ્ટેલમાં આપવામાં આવતા અન્ય વિદ્યાર્થિનીઓએ ભારે હોબાળો મચાવ્યો છે.

સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને ગુણવત્તાયુક્ત ભોજન આપવામાં ન આવતું હોવાનું સામે આવ્યું છે. જેથી 100થી વિદ્યાર્થિનીઓ સમરસ ગર્લ્સ હોસ્ટેલ બહાર ધરણા પર બેસી ગઈ છે.'વોર્ડન તુમ એક કામ કરો ખુરશી છોડી આરામ કરો' ના નારા સાથે એબીવીપી અને વિદ્યાર્થિનીઓ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો છે. તેમજ મેનેજમેન્ટને બહાર બોલાવીને ABVP દ્વારા અને વિદ્યાર્થિનીઓ દ્વારા ધમકાવવામાં આવ્યા છે.

વિદ્યાર્થિની જાનવી ડાભીએ કહ્યું હતું કે, અમારે મેનુ ચેન્જ કરાવું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી કહીએ છીએ છતાં પણ મેનુ ચેન્જ કરતાં નથી. મારે ઇન્ટર્નશીપ ચાલુ છે તો પણ મને 8.30 વાગ્યા સુધીની પરમિશન આપવામાં આવે છે અને મારે 9 વાગ્યા સુધીની પરમિશન જોઈએ છે પરંતુ તે આપતાં નથી. એવું કહે છે કે તમારી સેફટી માટે અમે પરમિશન નહીં આપીએ. તો શું હવે જમવામાંથી જીવાત નીકળે છે તો તેમાં વિદ્યાર્થિનીઓની સેફ્ટીનું કેમ ધ્યાન રાખવામાં આવતું નથી. જમવામાંથી જીવાત નીકળવી તે વિદ્યાર્થીનીઓની સેફટી નથી માત્ર રાત્રે મોડા ન આવવું તેમાં જ વિદ્યાર્થિનીઓની સેફટી છે.

વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, જમવામાંથી જીવાત નીકળે છે ત્યારે અમે રજૂઆત કરીએ તો વોર્ડન એવો જવાબ આપે છે કે તમે પ્લેટ સાઈડમાં મૂકી દો અને બીજી પ્લેટ લઈ લો. જીવાત નીકળ્યા બાદ પણ બીજી છોકરીઓને ના પાડવામાં આવતી નથી કે તમે આ ખોરાક ખાતા નહીં. જ્યારે બીજી છોકરીઓ બીમાર થશે તો કોની જવાબદારી?

સમરસ હોસ્ટેલમાં સમાજકલ્યાણના અધિકારી ઉર્વશી દેસાઇએ કહ્યું કે, જ્યારે પણ આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે અમે એન્જન્સીને જાણ કરીએ છીએ અને તેનું ધ્યાન દોરતા હોઈએ છીએ. અમે એજન્સીને આ બાબતે નોટિસ પણ આપીએ છીએ. નોટિસ આપીને ધ્યાન રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ગયા મહિને એજન્સીને ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી તેમજ આ વખતે એક બીજી નોટિસ આપીશું. નિયમ મુજબ ત્રણ નોટિસ આપ્યા પછી કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં 800 વિદ્યાર્થીનીઓ રહે છે. પ્રમુખ ભોજન નામની એજન્સીને ભોજન માટેની કામગીરી સોંપવામાં આવી છે. પરંતુ સરકારી હોસ્ટેલ છતાં પણ વિદ્યાર્થીનીઓને ભોજન આપવામાં ગુણવત્તા જણાવવામાં આવતી નથી. છેલ્લા કેગલાક સમયથી અવારનવાર ભોજનમાંથી જીવાત નીકળી રહી છે. જ્યારે જ્યારે વિદ્યાર્થીનીઓ વોર્ડનને ફરિયાદ કરે ત્યારે માત્ર એજન્સીને નોટિસ ફટકારી સંતોષ માની લેવામાં આવે છે.

અત્યાર સુધી એજન્સીને જીવાત નીકળવાની અને ગુણવત્તાયુક્ત જમવાનું ન આપતા હોવાની ફરિયાદ મળતા 4 નોટિસ ફટકારવામાં આવી છે. પરંતુ એજન્સી સામે કોઈપણ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં ન આવતા અવારનવાર ઘટનાઓ વધી રહી હોવાનો વિદ્યાર્થીનીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande