
- ઘીના સેમ્પલના ફૂડ એનાલિસ્ટના રિપોર્ટમાં સેમ્પલ ‘સબસ્ટાન્ડર્ડ’ જાહેર થયા.
અમદાવાદ, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાતમાં સરકાર ભેળસેળ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરી રહી છે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં ફૂડ વિભાગે ઘીના જથ્થા સામે કાર્યવાહી કરી છે. આશરે 500 લિટર વિવિધ બ્રાન્ડના ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. વિભાગના જણાવ્યા મુજબ 16 સપ્ટેમ્બરે લેવાયેલા સેમ્પલના રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે અને હવે ઉત્પાદન સ્થળ સુધી તપાસ લંબાવવામાં આવી છે.
આજે ઘીમાં ભેળસેળને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. માધુપુરા માર્કેટમાં આવેલા એક ટ્રેડર એકમ પર દરોડા પાડીને અલગ-અલગ બ્રાન્ડના આશરે 500 લિટર ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
ફૂડ વિભાગના જણાવ્યા મુજબ, અગાઉ લેવામાં આવેલા ઘીના સેમ્પલના ફૂડ એનાલિસ્ટના રિપોર્ટમાં સેમ્પલ ‘સબસ્ટાન્ડર્ડ’ જાહેર થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન શુદ્ધ ઘીના નામે વનસ્પતિ ઘીનું વેચાણ થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આવા ઘી શુદ્ધ ધીના અડધા જેટલા ભાવે વેચાતા હોવાનું વેપારીએ જણાવ્યું છે.
ફૂડ અધિકારી રાકેશ ગામીતના જણાવ્યા મુજબ, 16 સપ્ટેમ્બરે અલગ-અલગ સ્થળેથી ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ફૂડ એનાલિસ્ટના રિપોર્ટમાં આ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ રિપોર્ટ બાદ ઘીના મેન્યુફેક્ચરિંગ યુનિટ અંગે તપાસ કરવા માટે વિવિધ ટીમોને મોકલવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ