પોષણ માહ દરમિયાન હાથ ધરાયેલી 2.43 કરોડથી વધુ પ્રવૃત્તિઓ સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર
- ગુજરાતમાં આપણી આંગણવાડી, આપણી જવાબદારીની ભાવના સાથે ''પોષણ માહ-2026''ની રાજ્યવ્યાપી ઉજવણી - પોષણ માહ અંતર્ગત મિલેટ્સ, સ્થાનિક પૌષ્ટિક આહાર અને જંકફૂડ સામે જાગૃતિ લાવવા વિશેષ ઝુંબેશ - મહિસાગર, વલસાડ, પાટણ, આણંદ અને મહેસાણા જિલ્લાઓ કામગીરીમાં
Gujarat leads the country with over 2.43 crore activities carried out during Poshan Maah


Gujarat leads the country with over 2.43 crore activities carried out during Poshan Maah


- ગુજરાતમાં આપણી આંગણવાડી, આપણી જવાબદારીની ભાવના સાથે 'પોષણ માહ-2026'ની રાજ્યવ્યાપી ઉજવણી

- પોષણ માહ અંતર્ગત મિલેટ્સ, સ્થાનિક પૌષ્ટિક આહાર અને જંકફૂડ સામે જાગૃતિ લાવવા વિશેષ ઝુંબેશ

- મહિસાગર, વલસાડ, પાટણ, આણંદ અને મહેસાણા જિલ્લાઓ કામગીરીમાં મોખરે: આરોગ્ય, પંચાયત, ગ્રામ વિકાસ અને શિક્ષણ વિભાગનું શ્રેષ્ઠ યોગદાન

- બાળકના પ્રથમ 1000 દિવસની સંભાળ, નિયમિત વજન-ઊંચાઈ માપન અને 'પોષણ સંગમ' દ્વારા કુપોષણ સામે સઘન કામગીરી

ગાંધીનગર,29 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત સરકાર દ્વારા આપણી આંગણવાડી, આપણી જવાબદારીની ભાવના સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યભરમાં 'પોષણ માહ-2026ની વ્યાપક ઉજવણી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉજવણીનો રાજ્યવ્યાપી શુભારંભ મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલ દ્વારા કરાવવામાં આવ્યો હતો.

પોષણને એક સફળ જનઆંદોલન બનાવવાના ઉદ્દેશ્યથી વિવિધ સંલગ્ન વિભાગો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, આંગણવાડી કાર્યકરો, આરોગ્યકર્મીઓ, સ્વસહાય જૂથો, માતા-પિતા અને સમગ્ર સમાજની સક્રિય ભાગીદારીથી વિવિધ બહુભાગીદારી આધારિત પ્રવૃત્તિઓ આ અભિયાન હેઠળ હાથ ધરવામાં આવી રહી છે.

ગત 27સપ્ટેમ્બર,2026 સુધીમાં ગુજરાતે કુલ 2.43 કરોડથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ નોંધાવીને સમગ્ર દેશમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 56.13 લાખ પ્રવૃત્તિઓ તથા અન્ય સંલગ્ન વિભાગો દ્વારા 1.87 કરોડ જેટલી પ્રવૃત્તિઓ સંપન્ન કરવામાં આવી છે.

આ પ્રવૃત્તિઓમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ પ્રભાગ, ગ્રામ વિકાસ વિભાગ, પંચાયત વિભાગ અને શિક્ષણ વિભાગ સૌથી વધુ યોગદાન આપનારા ટોચના પાંચ વિભાગો રહ્યા છે.

આ ઉપરાંત, જિલ્લાવાર પ્રવૃત્તિઓમાં મહિસાગર, વલસાડ, પાટણ, આણંદ અને મહેસાણા રાજ્યમાં અગ્રણી જિલ્લાઓ બન્યા છે. જ્યારે વલસાડ જિલ્લામાં કલેક્ટર દ્વારા વિશાળ પોષણ જાગૃતિ રેલીને પ્રસ્થાન પણ કરાવાયું હતું.

પોષણ માહ દરમિયાન આહારની વિવિધતા અને પ્રોટીનયુક્ત ખોરાકના સેવન અંગે વિશેષ જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, જેમાં સ્થાનિક પૌષ્ટિક ખાદ્યપદાર્થો, મિલેટ્સ (શ્રીઅન્ન), કઠોળ, લીલા શાકભાજી, ફળો, દૂધ અને બદામ-બીજના મહત્વ પર ભાર મુકાઈ રહ્યો છે.

કાર્યક્રમો હેઠળ પૌષ્ટિક વાનગી નિદર્શન, THR અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગીઓનું પ્રદર્શન, પોષણ મેળા અને સંતુલિત આહાર અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. વધુમાં, સુરત જિલ્લામાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાસ્થ્યપ્રદ આહાર અને જંકફૂડના વિષય પર જાગૃતિ કેળવવામાં આવી રહી છે.

આંગણવાડી કેન્દ્રોને માત્ર સેવા કેન્દ્રો નહીં પરંતુ પોષણ અને પ્રારંભિક બાળ વિકાસના સક્રિય કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, જ્યાં ગુણવત્તાયુક્ત અને સ્વચ્છ તાજું ગરમ ભોજન પૂરું પાડવામાં આવે છે. આંગણવાડી મેનેજમેન્ટ કમિટીને સક્રિય બનાવીને, SNP મેનુ બોર્ડ ડિસ્પ્લે કરીને તથા મારી આંગણવાડી – મારી જવાબદારી અંતર્ગત કમ્યુનિટી ઓનરશિપ મજબૂત કરાઈ રહી છે.

બાળકના પ્રથમ 1000 દિવસ અને શરૂઆતના 6 વર્ષ માટે અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, અર્લી સ્ટીમ્યુલેશન અને રિસ્પોન્સિવ કેરગિવિંગ પર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. બાળકોના વજન-ઊંચાઈના માપન, પોષણ ટ્રેકરમાં નોંધણી અને કુપોષિત બાળકોની સમયસર ઓળખ કરી 'પોષણ સંગમ' જેવી પહેલ દ્વારા આરોગ્ય વિભાગ સાથે રેફરલ અને સારવાર સંકલિત કરવામાં આવી છે.

વર્ષ 2026માં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સંતૃપ્તિ અભિયાન ચલાવીને ગર્ભવતી અને ધાત્રી માતાઓની નોંધણી વધારવામાં આવી રહી છે. ગુજરાત સરકાર પોષણને માત્ર એક માસની પ્રવૃત્તિ ન ગણતા તેને દૈનિક જીવનશૈલી અને સામાજિક જવાબદારી બનાવીને સુપોષિત ગુજરાતના નિર્માણ તરફ દૃઢ સંકલ્પબદ્ધ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande