
- લારી-સામાન જપ્તની સાથે દંડ પણ થશે
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા નિયત માર્કેટ અથવા સ્થળોએ જ વેપાર કરવાનો રહેશે
અમદાવાદ,29 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં જાહેર રોડ ઉપર શાકભાજી અને ફ્રૂટ વેચવા ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. રોડ ઉપર લારીઓ ઉભી રાખી શાકભાજી તેમજ ફ્રૂટ વેચવાના કારણે ટ્રાફિક થતો હોવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા વેજીટેબલ માર્કેટમાં જ વેચાણ કરવાનું રહેશે. જો જાહેર રોડ કે ફૂટપાથ પર વેચાણ કરશે તો લારી તેમજ સામાન જપ્ત કરી દંડ કરવા સુધીની કાર્યવાહી કરાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગને શાકભાજી અને ફ્રૂટ વેચાણ કરતાં સ્ટ્રીટ વેન્ડર્સ દેખાય છે પરંતુ ભદ્રકાલી મંદિરથી ત્રણ દરવાજા થઈને પાંચકુંવા વિસ્તારમાં ફૂટપાથ ઉપરના દબાણ સહિત શહેરના અન્ય વિસ્તારમાં દબાણ દેખાતા નથી.
અમદાવાદ મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર નોટિસ મારફતે જણાવાયું છે કે, શહેરમાં વેપાર કરતા તમામ ફળ અને શાકભાજીનાં સ્ટ્રીટ વેન્ડર્સને સૂચના આપવામાં આવે છે કે જાહેર રસ્તાઓ, ફૂટપાથ અને ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી કોઈપણ જગ્યાઓ પર શાકભાજી અને ફળનું વેચાણ કરવા પર પ્રતિબંધ છે. રસ્તાઓ પર વેપાર કરવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાય છે અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
તમામ સ્ટ્રીટ વેન્ડર્સને કડક સૂચના છે કે, તેઓએ પોતાની વેચાણ પ્રવૃત્તિઓ માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલ શાકભાજી માર્કેટ તથા નિયત કરાયેલા અન્ય સ્થળોએ જ કરવાની રહેશે. જો કોઈ પણ વેન્ડર્સ આ સૂચનાનું ઉલ્લંઘન કરીને જાહેર રસ્તા પર કે ફૂટપાથ પર વેચાણ કરતા જણાશે તો તેને ‘ગેરકાયદેસર દબાણ’ ગણવામાં આવશે. જેથી કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરાશે, જેમાં માલ-સામાન અને લારી જપ્ત કરવા તેમજ આકરો દંડ ફટકારવાની કાર્યવાહીનો પણ સમાવેશ થાય છે.
શહેરમાં ખાસ કરીને સાંજના સમયે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા શાકભાજીની લારીઓ અને બજાર ભરાતું હોય તેના કારણે થતું હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ સ્થળો પર વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવ્યા છે,
પરંતુ વેપારીઓ વેજીટેબલ માર્કેટમાં વેચાણ કરતા નથી, જેના પગલે એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા હવે રોડ પરના તમામ શાકભાજી અને ફ્રૂટના વેપારીઓને વેજીટેબલ માર્કેટમાં ફરજિયાત બેસે તેના માટે રોડ પર વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ