

- ગુજરાત આશરે 50 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સાથે દેશનું અગ્રણી રાજ્ય બન્યું : કેન્દ્રીય ઊર્જા રાજ્ય મંત્રી શ્રીપાદ યેસો નાઇક
- નેટ-ઝીરોના લક્ષ્યની સિદ્ધિમાં રિન્યુએબલ એનર્જી મહત્વપૂર્ણ આધારસ્તંભ : ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ
- નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે તા. ૨થી ૫ નવેમ્બર દરમિયાન ‘Bharat RE Summit & Expo-2026’ યોજાશે
ગાંધીનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : ભારતની નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે વૈશ્વિક આગેવાનીને વધુ મજબૂત બનાવવા તથા રોકાણ, નવીનતા અને ટેકનોલોજી માટેની તકોને વૈશ્વિક મંચ પૂરો પાડવાના હેતુથી આગામી તા. ૨થી ૫ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાનાર ‘Bharat RE Summit & Expo-2026’ના પ્રચાર-પ્રસારના ભાગરૂપે આજે અમદાવાદ ખાતે રોડ શૉ યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય ઊર્જા રાજ્ય મંત્રી શ્રીપાદ યેસો નાઇકે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રે વિશ્વમાં અગ્રેસર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતે વર્ષો અગાઉ સૌર અને પવન ઊર્જાના ક્ષેત્રે કરેલી આગવી પહેલને બિરદાવતાં તેમણે જણાવ્યું કે રાજ્ય આજે આશરે 50 ગીગાવોટની રિન્યુએબલ એનર્જી ક્ષમતા સાથે દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. ગુજરાતમાં 30 લાખથી વધુ રૂફટોપ સોલાર સ્થાપનો તેમજ કચ્છમાં વિકસિત થઈ રહેલા વિશાળ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ રાજ્યની હરિત ઊર્જા પ્રતિબદ્ધતાના દ્યોતક છે.
તેમણે જણાવ્યું હતું કે આગામી Bharat RE Summit & Expo-2026માં નીતિ નિર્માતાઓ, વૈશ્વિક રોકાણકારો, ઉદ્યોગકારો, ટેકનોલોજી નિષ્ણાતો અને નાણાકીય સંસ્થાઓ એક મંચ પર આવશે. ‘Invest, Innovate and Inspire’ની થીમ સાથે યોજાનારી આ સમિટ ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં રોકાણ અને ટેકનોલોજી સહયોગની નવી તકો ઊભી કરશે. સમિટ સાથે International Solar Alliance (ISA)ની 9મી એસેમ્બલી અને 4થી International Conference on Green Hydrogen (ICGH-2026)નું પણ આયોજન થનાર છે, જે સૌર ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે વૈશ્વિક સહયોગને વધુ વેગ આપશે.
ગુજરાતના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભારત નેટ-ઝીરોનું લક્ષ્ય હાંસલ કરવા માટે મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. આ લક્ષ્યની સિદ્ધિમાં રિન્યુએબલ એનર્જી મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. ગુજરાતે વર્ષ 2007થી સૌર ઊર્જાના ક્ષેત્રે આગવી પહેલ કરીને આજે સૌર ઊર્જા, રૂફટોપ સોલાર, કૃષિ ક્ષેત્રે સૌર ઊર્જા અને ઉદ્યોગોમાં સ્વચ્છ ઊર્જાના ઉપયોગની મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરી છે.
પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં PM સૂર્ય ઘર: મફત વીજળી યોજનાને જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન સાથે આ ક્ષેત્ર માટે જરૂરી સાધનો અને ટેક્નોલોજીનું ઉત્પાદન પણ રાજ્યમાં થાય તે માટે સરકાર નવી નીતિઓ અને પ્રોત્સાહનો દ્વારા રોકાણને વેગ આપી રહી છે. ગ્રીન હાઇડ્રોજન, એનર્જી સ્ટોરેજ અને ઓફશોર વિન્ડ જેવા ક્ષેત્રોમાં ગુજરાત નવી તકો ઊભી કરી રહ્યું છે.
નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના ડાયરેક્ટર અભય બાકરે જણાવ્યું હતું કે, ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ભારતને વૈશ્વિક નેતૃત્વ તરફ લઈ જવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ, નવીનતા અને જ્ઞાનનું આદાન-પ્રદાન મહત્વપૂર્ણ છે. ICGH-2026માં 75થી વધુ દેશો, 20થી વધુ રાજ્ય સરકારો, 250થી વધુ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિઓ અને 500થી વધુ નિષ્ણાતોની ભાગીદારી સાથે 80થી વધુ સત્રોમાં ગ્રીન હાઇડ્રોજન અંગે વ્યાપક ચર્ચા-વિમર્શ યોજાશે. આ વૈશ્વિક મંચ ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન, ટેક્નોલોજી, રોકાણ અને નીતિગત સહયોગ માટે નવી તકોનું નિર્માણ કરશે.
આ રોડ શૉ દરમિયાન ગુજરાતમાં નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે થયેલી પ્રગતિ, વિશાળ સૌર-પવન ઊર્જા ક્ષમતા, ગ્રીન હાઇડ્રોજન અને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે હાથ ધરાયેલી વિવિધ પહેલો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ ‘Bharat RE Summit & Expo-2026’માં ગુજરાતની સક્રિય ભાગીદારી અને રાજ્યમાં વધુ રોકાણ આકર્ષવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે International Solar Alliance (ISA)ના ડાયરેક્ટર જનરલ આશિષ ખન્ના, ઊર્જા વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, National Solar Energy Federation of India (NSEFI)ના CEO સુબ્રમણ્યમ, National Governing Councilના સભ્ય ધનંજયકુમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ