ભાવનગરના કોબડી ટોલનાકે NDRFની બસ રોકાતા વિવાદ, પોલીસની મધ્યસ્થી બાદ અડધી કલાકે રવાના
ભાવનગર,03 સપ્ટેમ્બર (હિ.સ.) આપત્તિ કે કુદરતી આફતના સમયે તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી જતી NDRF ટીમને પણ ટોલનાકે રોકવામાં આવતા ભાવનગરમાં ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ મહુવા ખાતેની કામગીરી પૂર્ણ કરીને ભાવનગર પરત ફરી રહેલી NDRFની ટીમની બસને કોબડી
NDRF ની ટીમ


ભાવનગર,03 સપ્ટેમ્બર (હિ.સ.) આપત્તિ કે કુદરતી આફતના સમયે તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી જતી NDRF ટીમને પણ ટોલનાકે રોકવામાં આવતા ભાવનગરમાં ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ મહુવા ખાતેની કામગીરી પૂર્ણ કરીને ભાવનગર પરત ફરી રહેલી NDRFની ટીમની બસને કોબડી ટોલનાકે અડધી કલાકથી વધુ સમય સુધી રોકી રાખવામાં આવી હતી.

NDRFની આ બસમાં કુલ 21 જવાનો સવાર હતા. દેશ અને રાજ્યમાં આપત્તિના સમયે લોકોના જીવ બચાવવા માટે તાત્કાલિક કામગીરી કરતી આ ટીમને ટોલનાકે રોકી રાખવામાં આવતા ઘટનાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. સામાન્ય વાહનચાલકોની સરખામણીએ આપત્તિ રાહત અને બચાવ કામગીરી સાથે સંકળાયેલા વાહનોને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત હોય છે. ત્યારે NDRFની બસને લાંબા સમય સુધી રોકી રાખવામાં આવતાં ટોલ વ્યવસ્થાની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.

લગભગ અડધી કલાકથી વધુ સમય સુધી બસ રોકાયા બાદ સમગ્ર મામલે પોલીસની મધ્યસ્થી કરવામાં આવી હતી. પોલીસના હસ્તક્ષેપ બાદ NDRFની બસને રવાના કરવામાં આવી હતી. ઘટનાને પગલે ચર્ચા શરૂ થઈ છે કે જો આપત્તિના સમયે તાત્કાલિક સ્થળે પહોંચવા નીકળેલી બચાવ ટીમને જ આ રીતે રોકવામાં આવે તો ગંભીર પરિસ્થિતિમાં કેટલાય લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ભાવનગર-મહુવા હાઈવે પર આવેલા ટોલનાકે અગાઉ પણ એમ્બ્યુલન્સને રોકી રાખવાનો કિસ્સો સામે આવ્યો હતો. વારંવાર આવી ઘટનાઓ સામે આવતાં ટોલ કર્મચારીઓ દ્વારા ઇમરજન્સી સેવાઓ સાથેના વાહનો માટે યોગ્ય વ્યવસ્થા અને સ્પષ્ટ માર્ગદર્શિકા અમલમાં મૂકવાની માંગ ઉઠી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande