પોલીસની ફરજ સાથે પ્રકૃતિની સેવા: નિવૃત્ત ASI પ્રવિણસિંહ સરવૈયાએ 46 વર્ષમાં વાવ્યાં 5 હજારથી વધુ વૃક્ષો
ભાવનગર,03 સપ્ટેમ્બર (હિ.સ.)સરકારી નોકરી દરમિયાન ફરજ બજાવી નિવૃત્તિ બાદ આરામદાયક જીવન જીવવું સામાન્ય બાબત છે, પરંતુ ભાવનગરના નિવૃત્ત ASI પ્રવિણસિંહ સરવૈયાએ સેવાભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. માઉન્ટેડ પોલીસમાં ફરજ બજાવનાર પ્રવિણસિંહ છેલ્લા 46
નિવૃત્ત asi


ભાવનગર,03 સપ્ટેમ્બર (હિ.સ.)સરકારી નોકરી દરમિયાન ફરજ બજાવી નિવૃત્તિ બાદ આરામદાયક જીવન જીવવું સામાન્ય બાબત છે, પરંતુ ભાવનગરના નિવૃત્ત ASI પ્રવિણસિંહ સરવૈયાએ સેવાભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. માઉન્ટેડ પોલીસમાં ફરજ બજાવનાર પ્રવિણસિંહ છેલ્લા 46 વર્ષથી કોઈપણ પ્રચાર કે દેખાડા વિના સ્વખર્ચે વૃક્ષારોપણ અને જીવસૃષ્ટિની સેવા કરી રહ્યા છે.

વર્ષ 1986માં પોલીસ વિભાગમાં જોડાયા બાદ જ્યાં જ્યાં તેમની ફરજ લાગી ત્યાં તેમણે પોલીસની જવાબદારી સાથે પર્યાવરણની જાળવણીને પણ મહત્વ આપ્યું. તળાજા તાલુકાના નવા સાંગાણા ગામમાં છેલ્લા 46 વર્ષ દરમિયાન તેમણે પોતાના ખર્ચે 5 હજારથી વધુ વૃક્ષો વાવ્યાં છે. તેઓ માત્ર વૃક્ષો વાવીને અટકતા નથી, પરંતુ છોડ લાવવાથી લઈને ખાડા ખોદવા, રોપાણ કરવા, પાણી આપવા અને વૃક્ષ મોટા થાય ત્યાં સુધી તેનું જતન પણ જાતે કરે છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ તેઓ છોડને પાણી આપવા માટે સ્વખર્ચે વ્યવસ્થા કરે છે. વૃક્ષોના રક્ષણ માટેના પિંજરા તૂટી જાય તો તેને ફેંકી દેવાને બદલે એકત્રિત કરી જાતે રિપેર કરીને ફરી ઉપયોગમાં લે છે.

પ્રકૃતિપ્રેમી પ્રવિણસિંહનું સેવાકાર્ય માત્ર વૃક્ષો પૂરતું સીમિત નથી. પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે તેઓ વિવિધ સ્થળોએ પાણીના કુંડા પણ મૂકે છે. મંદિર, સ્મશાન, સોસાયટી સહિત જાહેર સ્થળોએ લોકોની માંગ હોય ત્યારે પણ તેઓ વૃક્ષારોપણ માટે આગળ આવે છે.

62 વર્ષની ઉંમરે પણ અવિરત સેવા કરતા પ્રવિણસિંહ સરવૈયાની 46 વર્ષની પ્રકૃતિસેવા સમાજ માટે પ્રેરણારૂપ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande