સોમનાથ મહાદેવને સુકામેવાનો દિવ્ય શૃંગાર
સોમનાથ, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રાવણ કૃષ્ણ ષષ્ઠીના શુભ દિને મહાદેવને વિવિધ સુકામેવાનો (ડ્રાયફ્રૂટ્સ) અલૌકિક અને મનોહર શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ શૃંગાર માત્ર
સોમનાથ મહાદેવને સુકામેવાનો દિવ્ય શૃંગાર


સોમનાથ, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રાવણ કૃષ્ણ ષષ્ઠીના શુભ દિને મહાદેવને વિવિધ સુકામેવાનો (ડ્રાયફ્રૂટ્સ) અલૌકિક અને મનોહર શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ શૃંગાર માત્ર દર્શન પૂરતો સીમિત ન રહેતાં, માનવજીવન માટે તપ, સમર્પણ અને ધીરજનો ગૂઢ આધ્યાત્મિક સંદેશ આપે છે.

જેમ કોઈ સામાન્ય ફળ આકરા તડકા, તાપ અને કઠિન પ્રક્રિયામાંથી પસાર થયા પછી જ અમૂલ્ય 'સુકોમેવો' બની ઉત્કૃષ્ટ પોષણ આપે છે; ઠીક તેમ જ માનવજીવનમાં આવતા સંઘર્ષો અને દુઃખો જીવને ઈશ્વરીય તત્વ તરફ દોરી જતી સાધના સમાન છે. વિપરીત પરિસ્થિતિઓમાં પણ અડગ રહીને જે ભક્ત ધીરજ અને શ્રદ્ધા જાળવી રાખે છે, તેને મહાદેવ કાળક્રમે અંતઃશાંતિ અને કલ્યાણરૂપી સર્વોત્તમ ફળ પ્રદાન કરે છે. સંસારના તડકા-છાંયડા વચ્ચે આત્મબળ અને સંયમ ન ગુમાવવાની આ દિવ્ય પ્રેરણા આજના શૃંગાર દ્વારા ભાવિકો સુધી પહોંચાડવામાં આવી હતી.

શ્રાવણના પાવન દિવસોમાં દેશ-વિદેશથી ઉમટી પડેલા હજારો શ્રદ્ધાળુઓએ શિવજીના આ વિશિષ્ટ શૃંગારના દર્શન કરી ધન્યતા અને આંતરિક શાંતિનો અનુભવ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande